વડોદરા, તા.૨૩

શહેરના ગોપાલકો નિર્ભયપણે ગાયોને રસ્તા-માર્ગો ઉપર રખડતી મૂકી દેતાં ગાયોનો ત્રાસ શહેરમાં ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે વધુ એક એક્ટિવાચાલક યુવાનને ગાયે અડફેટે લેતાં તેને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ગત મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ યુવાનને મોઢાના ભાગે ૧૦ થી ૧૨ ટાંકા આવ્યા હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં રસ્તાઓ ઉપર રખડતી ગાયોને કારણે ત્રણ આશાસ્પદ યુવાનો ગંભીર રીતે ઘાયલ થયાના સત્તાવાર બનાવો નોંધાયા છે, તેમ છતાં પાલિકાતંત્ર અને શાસકપક્ષના આલા નેતાઓ તેમજ મેયરના પેટનું પાણી હાલતું ન હોવાથી નગરજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના ઢોરપાર્ટીના કેટલાક કર્મચારીઓની મિલીભગતને કારણે વડોદરા શહેરના ગોપાલકો બેખોફ બન્યા છે અને જાેહુકમી રીતે નિર્ભયપણે બિન્દાસ્ત તેમની ગાયોને દોહીને રસ્તાઓ ઉપર રખડતી છૂટી મૂકી દેવામાં આવે છે, જેના પરિણામે શહેરમાં ગાયોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે.

શહેરમાં ગાયોને અડફેટે આવવાના રોજબરોજ નાના મોટા બનાવો બનતા હોય છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં બે નોંધપાત્ર અને ચકચારી બનાવો બનવા પામ્યા છે. જેમાં આજે વધુ એક બનાવ બનવા પામ્યો છે જેમાં એક એક્ટિવાચાલક યુવાન ગાયને અડફેટે આવ્યો હોવાથી તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતાં જ્યાં તેને મોઢાના ભાગે ૧૦ થી ૧૨ ટાંકા આવ્યા હતા.

શહેરમાં ગત મોડી રાત્રે બનેલા બનાવથી માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલ નટરાજ ટાઉનશિપમાં હિરેન પરમાર (ઉં.વ.ર૩) તેના પરિવાર સાથે રહે છે. તે ટેટૂ બનાવવાનો અને ટેટૂ પાડવાનો ધંધો કરે છે. ગઈકાલે રાત્રે તે સાડા નવ-દસ વાગ્યાની આસપાસ એક્ટિવા લઈને જતો હતો તે વખતે અલકાપુરીના જેતલપુર બ્રિજ નીચેથી પસાર થતો હતો ત્યારે રસ્તા વચ્ચે ઊભેલી ગાયની પાછળ ચારથી પાંચ કૂતરાઓનું ટોળું ભસતાં ભસતાં દોડતાં જતાં હતાં, જેથી ગાય ભડકીને રોડ તરફ દોડી રહી હતી અને હિરેન પરમારની એક્ટિવાને અથડાઈ હતી. આ બનાવમાં હિરેન પરમારને ગાયે ભેટી મારી એક્ટિવા પરથી ઉછળીને ફંગોળાયો હતો. આ બનાવમાં તેને મોઢાના ભાગે અને કપાળના ભાગે તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને મોઢાના ભાગે ૧૦ થી ૧૨ ટાંકા આવ્યા હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

શહેરમાં ગાયના લીધે વધુ એક યુવાન ઈજાગ્રસ્ત થતાં ચકચાર સાથે પાલિકાના મેયરની ગાયોનો ત્રાસ દૂર કરવાના બણગાં સામે નગરજનોમાં ભારે રોષની લાગણી જાેવા મળી રહી છે, તેમ છતાં મેયરના પેટનું પાણી પણ હાલતું નથી. શહેરમાં રખડતી ગાયોના ત્રાસને લીધે શહેરીજનોનો અવારનવાર ભોગ લેવાતો હોય છે.

મેયરે ઢોરના ત્રાસ અંગે પૂછાયેલ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળી રવાના થયા

વડોદરા. શહેરના હાર્દસમા ચાર દરવાજા વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મેયર પોતે દબાણો હટાવવા માટે સક્રિય હોવાની છાપ ઊભી કરવા માટે બનાવના સ્થળે ગયા હતા, જ્યાં મીડિયા કર્મચારીઓએ શહેરમાં ઢોરના ત્રાસ અંગે પૂછવામાં આવતાં મેયરે ઢોરો અંગેનો જવાબ આપવાનું ટાળી હમણાં દબાણ હટાવવાની કામગીરી ચાલે છે તેમ જણાવી તે સ્થળેથી રવાના થઈ ગયા હતા. રોજ કમાઈને રોજ ખાનારા ગરીબ અને મધ્યમ વર્ગના પથારાવાળાઓ ઉપર તવાઈ લાવી વેપારીઓ સામે બાહોશી બતાવનાર મેયર ગોપાલકો સામે કેમ ચૂપ રહ્યા છે આ એક ચર્ચાતો વિષય છે.