લોકસત્તા વિશેષ, તા.૧૨

લાંબા સમયથી રગસીયા ગાડાની જેમ ચાલતા શહેરના વિકાસ માટે ખાલી તિજાેરી કારણભૂત માનવામાં આવે છે. ત્યારે કોર્પોરેશનની ખાલી તિજાેરી પર ધાડ પાડવા માટે કોર્પોરેશનના રોડના કોન્ટ્રાકટરોએ શહેર ભાજપ સંગઠનના એક વરિષ્ઠ નેતાના આશિર્વાદથી રીંગ કરવાનો કારસો રચ્યો છે. જેમાં રૃપિયા ૧૩૦ કરોડના કામો ભરવા માટે ક્વોલીફાઈડ થતા તમામ કોન્ટ્રાકટરોએ પોતપોતાના કામો વહેચી લીધા હતા. રૃપિયા ૧૩૦ કરોડના કામો કોઈ પણ જાતના વિઘ્ન વગર આવતીકાલે સ્થાયી સમિતિની બેઠકમાં મંજુર થઈ જાય તે માટે રૃપિયા ૩ કરોડની કટકી આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આટલી જંગી રકમ આપી આવતીકાલે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં નિર્વિધ્ન ટેન્ડર મંજુર કરવાનો કારસો રચાયો હોવાનું સામે આવ્યું છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરમાં રસ્તાઓને કારપેટ અને સિલકોટ કરવા માટે રસ્તા શાખા દ્વારા ઝોન મુજબ નવા કામોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ ટેન્ડરમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં આગામી એક વર્ષ દરમ્યાન રસ્તાને કારપેટ સિલકોટ કરવા માટે આશરે રૃપિયા ૧૩૦ કરોડના જુદા જુદા ટેન્ડર જાહેર કરાયા હતા. જેમાં રોડ પ્રોજેક્ટ શાખા મારફતે થનાર રસ્તા અને ઝોન કક્ષાએ થનાર રસ્તાના જુદા જુદા વાર્ષિક ઈજારા જાહેર કરવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે તંદુરસ્ત સ્પર્ધા થઈ સારી ગુણવતાના કામો થાય તે રીતે ટેન્ડર પ્રક્રિયા કરવાની રહેતી હોય છે. પરંતું કોર્પોરેશનમાં વર્ષોથી ઉધઈની જેમ કાર્યરત કોન્ટ્રાકટરોએ રીંગ બનાવી તમામ કામોની આંતરીક વહેંચણી કરી લીધી હતી. જે કામોમાં કોર્પોરેશનની તિજાેરીને સ્પર્ધાત્મકતાનો લાભ મળે તે મુજબ ટેન્ડર ભરવાના બદલે રીંગ કરી એક સરખા ભાવે ટેન્ડરો ભરવામાં આવ્યા છે. જેમાં દરેક કોન્ટ્રાકટરે એક એક ઝોન વહેંચી લીધો છે.

કોર્પોરેશનના નિયમો વિરૃધ્ધ રીંગ કરીને ભરવામાં આવેલા ટેન્ડર મંજુર કરવા માટે કોઈ વિધ્ન ન આવે તે માટે કોન્ટ્રાકટરોએ રાજકીય આકાઓને વિશ્વાસમાં લઈ આશરે રૃપિયા ૩ કરોડ જેટલી જંગી રકમની વહેંચણી કરવાનું નક્કી કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં વાર્ષિક ઈજારામાં જેમ જેમ ગ્રાંટની ફાળવણી થશે તેમ તેમ તબક્કાવાર આ કટકીના રૃપિયા આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવતીકાલે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં આ તમામ કામો કોઈ પણ વિવાદ વગર મંજુર થઈ જાય તે માટે તમામ રાજકીય વિરોધીઓને એક માળામાં પોરવી દેવામાં આવ્યા હોવાનુ પણ કહેવાય છે. ત્યારે આટલી જંગી ગોઠવણ સાથેના ટેન્ડર અંગે સ્થાયી સમિતિ શું ર્નિણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

રાજકીય દબાણ હોવાનું ટેન્ડર કમિટીની બેઠકમાં કોને કહ્યું?

ટેન્ડર પ્રક્રિયામાં સ્થાયી સમિતિ સમક્ષ ટેન્ડર મોકલતા પૂર્વે તેને અધિકારીઓની બનેલી ટેન્ડર કમિટિમાં રજુ કરવામાં આવે છે. આ કમિટિમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટેન્ડરની સમીક્ષા કરી તેના ભાવ અંગે એક તુલનાત્મક અભિપ્રયા નક્કી કરવામાં આવતો હોય છે. રોડના રૃપિયા ૧૩૦ કરોડના ટેન્ડર માટે મળેલી ટેન્ડર કમિટીની બેઠકમાં રજુ થયેલ તુલનાત્મક પત્રકની વિસંગતતા અંગે એક અધિકારી દ્વારા ટકોર કરવામાં આવી હતી. પરંતું આ સમયે અન્ય એક ઉચ્ચ અધિકારી દ્વારા ટેન્ડર મંજુર કરવા માટે રાજકીય દબાણ હોવાનું કહ્યું હતું. જેના કારણે ટેન્ડર કમિટિએ ચૂપચાપ મંજુરીનો અભિપ્રાય આપી દીધો હતો.

અલ્પેશ લીમ્બાચિયા થકી એક જૂથને મનાવાયું

કોર્પોરેશનમાં ચાલતી જુથબંધી વર્તમાન બોર્ડમાં તેની ચરમસીમાએ જાેવા મળે છે. આ જુથબંધીના ખેલમાં સંગઠન જુથ સામે કોર્પોરેશનમાં પદાધિકારીઓના જુથમાંથી સ્થાયી સમિતિમાં અલ્પેશ લિંબાચીયા હાજર રહેતા હોય છે. ત્યારે રોડના ટેન્ડરમાં આખો ખેલ પાર પાડવા માટે કોન્ટ્રાકટરોએ અલ્પેશ લિંમ્બાચીયા સાથે પણ બેઠક કરી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છેકે અલ્પેશ લિમ્બાચીયાએ મેયરને મનવવા માટેના પ્રયાસ કર્યા હોવાનું પણ કહેવાય છે.

સ્થાયી અધ્યક્ષ સાથે અલગમાં ખાનગી મુલાકાત?

રોડના કોન્ટ્રાકટરોએ કરેલી રીંગની વાત બહાર આવી જતાં તેના ઘેરા પ્રત્યાધાતો પડ્યા હતા. જેમાં તમામને મળીને ટેન્ડર મંજુર કરવા માટે કાલાવાલા કરતી રોડ કોન્ટ્રાકટરોની ગેંગ સ્થાયી અધ્યક્ષને મળવા માટે નહતી પહોંચી. પરંતું કોઈ ઠેકાણે સ્થાયી અધ્યક્ષ નારાજ હોવાનો સંદેશો વહેતો થતાં તમામ રોડ કોન્ટ્રાકટરો પુછડી દબાવીને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી આવ્યું હોવાનું કહેવાય છે.

પોતાને કોન્ટ્રાકટરોનો ડોન સમજતો દત્તુ કોણ?

કોર્પોરેશન સહિત તમામ સરકારી વિભાગોમાં પોતાને રોડ કોન્ટ્રાકટરની દુનિયાના ડોન તરીકે ઓળખાવતા દત્તુની ભૂમિકા પણ મોટી હોવાનું કહેવાય છે. દત્તુ નામનો કોન્ટ્રાકટર રાજકીય આકાઓની આડમાં અધિકારીઓને ધમકાવવામાં પણ પાછી પાણી નથી કરતો. એટલું જ નહીં પોતાનું ધાર્યુ કામ નહીં કરનાર અધિકારીને ભ્રષ્ટાચારી ચિતરી તેની બદલી કરવા માટે પણ આ ભાઈ જાણીતા છે. ત્યારે કોર્પોરેશન અને શહેર ભાજપની નેતાગીરી થોડાક રૃપિયા માટે આવા કોન્ટ્રાકટરોને ત્યાં ગીરવે મુકાઈ હોય તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે.

કમલમ્‌ બનાવવા માટે ૨ ટકાની કટકીનો ખેલ ઊંધો પડ્યો?

શહેર ભાજપનું કાયમી કાર્યાલય બનાવવા માટે સંગઠનની વર્તમાન ટીમ સતત પ્રયત્ન કરી રહી છે. જે માટે

જરૂરી આર્થિક ભંડોળ એકત્રિત કરવા માટે કોર્પોરેશનના કોન્ટ્રાકટરો પાસે મોટી નજર રાખવામાં આવતી હોય છે. ખાસ કરીને કોર્પોરેશનમાં થતા કામોમાં ૧ ટકો પાર્ટી ફંડ માટે લેવાની પ્રથા ભાજપમાં વર્ષોથી ચાલતી આવે છે. પરંતું રૃપિયા ૧૩૦ કરોડન રોડના કામોમાં રીંગ કરાવી તેમાં ૨ ટકો કમલમ માટે લેવા માટે ભાજપના એક મોટા નેતાએ વચન આપ્યું હતું. એટેલેક રૃપિયા ૨.૬૦ કરોડ કમલમ માટે લેવાનું નક્કી થયું હતું. પરંતું સંગઠનની ગોઠવણ કોર્પોરેશનમાં સંગઠન વિરોધી જુથના ધ્યાને આવતા તેઓએ ટેન્ડરનો ખેલ ઉંધો પાડવા માટેનો તખ્તો તૈયાર કર્યો હતો. જેના કારણે કોન્ટ્રાકટરોને અન્ય જુથ સાથે પણ સમાંતર બેઠક કરવાની ફરજ પડી હોવાનું કોર્પોરેશનમાં ચર્ચાઈ રહ્યું છે.