વડોદરા, તા.૨

હરણી રોડ ખાતે આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ શાકોત્સવમાં રોટલા ,રીંગણાનું શાક અને કઢી - ખીચડી મહાપ્રસાદ તરીકે ભક્તોને આપવામાં આપવામાં આવ્યું હતું.

શાકોત્સવ વિશે ભક્તોને સમજાવતા ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન તો ઉત્સવીયા ભગવાન કહેવાય છે. પહેલા ભરાતા લોકમેળાઓને ભગવાન સ્વામિનારાયણે ઉત્સવમાં પરિવર્તન કર્યાં છે. આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાને લોયામાં પોતાના હાથે ૬૦ મણ રીંગણામાં ૧૮ મણ ઘીનો વઘાર લઇ શાક બનાવી સંતો હરિભકતોને જમાડયા હતા.કથામૃતમાં સ્વામીએ શાકોત્સવનો સૌ હરિભક્તોને મહિમા સમજાવ્યો હતો. હાથથી ટીપેલા રોટલા, ઘીમાં વઘારેલુ રીંગણાનું શાક, સંપ્રદાયની સુપ્રસિધ્ધ ખીચડી-કઢી જેવી વિવિધ વાનગી ભરેલા મહાપ્રસાદથી સૌ દર્શનાર્થી રાજીના રેડ થઈ ગયા હતા અને શાકોત્સવના પ્રસાદનો ભરપૂર આનંદ માણ્યો હતો.