કેલિફોર્નિયા-

દેશમાં આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઊજવવામાં આવી રહી છે. આ દરમિયાન અમેરિકાથી મહાત્મા ગાંધીનો અનાદર કરવામાં આવ્યો હોવાના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં એક પાર્કમાં અમુક અજ્ઞાત ઉપદ્રવીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડ-ફોડ કરી છે. આ ઘટનાથી અમેરિકામાં રહેતા મૂળ ભારતીયોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે. બાપુના અનાદરથી નારાજ ભારતીય સમુદાયે આ ઘટનાની તાત્કાલિક તપાસની માગણી કરી છે. આ પહેલાં ડિસેમ્બરમાં વોશિંગ્ટન ડીસીમાં ભારતીય એમ્બેસી સામે મૂકવામાં આવેલી પ્રતિમાને ખાલિસ્તાનીના સમર્થકોએ ખંડિત કર્યા પછી એના પર પેઈન્ટ કરી દીધો હતો. ભારતે અમેરિકન સરકારને દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઘટનાની નિંદા કરી છે.

આ ગાંધી પ્રતિમા કેલિફોર્નિયાના સિટી ઓફ ડેવિસના સેન્ટ્રલ પાર્કમાં સ્થાપિત કરવામાં આવી હતી. એની ઊંચાઈ ૬ ફૂટ અને વજન ૨૯૪ કિલો હતું. બુધવારે સવારે સ્થાનિક લોકોએ જાેયું કે ગાંધીજીની પ્રતિમાના પગ નહોતા અને ચહેરાનો અડધો ભાગ પણ તોડી નાખવામાં આવ્યો હતો. પાર્કના એક કર્મચારીએ સૌપ્રથમ આ તૂટેલી પ્રતિમા જાેઈ હતી અને પ્રશાસનને એની માહિતી આપી હતી. પ્રતિમાની જગ્યા પણ બદલી દેવામાં આવી છે.

પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફ પોલ ડોરોશોવે કહ્યું હતું કે હાલ આ પ્રતિમાને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવશે. અમે એનું રિપેરિંગ કરાવીશું. અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે આ ઘટના ક્યારે બની છે, પરંતુ આ ઐતિહાસિક પ્રતિમાના અપમાનથી લોકોમાં નારાજગી છે. અમે આ વિશે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ.