મુંબઈ,

પ્રસિદ્ધ ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેનમાર્કે કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓના ઈલાજ માટેની દવા ‘ફેબિફ્લૂ’ સોમવારથી ભારતના બજારમાં મૂકી છે. આ દવાને ભારત સરકાર તરફથી મંજુરી પણ મળી ગઈ છે. કંપનીની આ સફળતા પછી સોમવારથી ગ્લેનમાર્કના શેરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ રોકાણકારોમાં એ ખબર પહોંચતી ગઈ કે ગ્લેનમાર્કે કોરોના માટેની દવા માર્કેટમાં લોન્ચ કરી છે ત્યારથી શેરોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

શુક્રવારે ગ્લેનમાર્કના શેર ૪૦૯.૩૫ રૂપિયા ઉપર બંધ થયા હતા. અને સોમવારે સવારે દસ ટકાના વધારા સાથે ૪૫૦.૨૫ રૂપિયા સાથે ખૂલ્યા. ત્યારબાદ ૧૫ મિનિટના કારોબારમાં જ શેરનો ભાવ ૪૭૦ રૂપિયા ઉપર પહોંચી ગયો હતો. ત્યારબાદ એક કલાક માટે ટ્રેડિંગ રોકી દેવામાં આવ્યું હતું. 

ત્યારબાદ શેરના અપર સર્કીટને રીવાઈઝ કરીને ૩૫ ટકા કરી દેવામાં આવ્યો હતો. સવારે ૧૧:૩૬ વાગ્યે બીએસઈ ઉપર ગ્લેનમાર્કનો શેર ૩૫ ટકાના ઉછાળા સાથે ૫૫૨ રૂપિયા ઉપર પહોંચી ગયો હતો. 

સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત લીલી છાપ સાથે થઇ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ફ્લેગશિપ ઇન્ડેક્સ સેન્સેક્સ ૩૪૯૧૦.૩૭ ના સત્ર પર ૧૭૯.૬૪ પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. એ સમયે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૦.૫૬ ટકા એટલે કે ૫૭.૮૫ અંકના વધારા સાથે ૧૦૩૦૨.૨૫ પર ખુલ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કોરોના વાયરસના ઈલાજ માટેની દવા ફેબીફ્લુ બ્રાન્ડનેમ સાથે લોન્ચ કરી હતી. ત્યારબાદ કંપનીના શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો.