વડોદરા, તા. ૬

કુખ્યાત મુકેશ હરજાણી ગેંગનો એક સમયનો શાર્પશુટર ખુંખાર આરોપી અનિલ ગંગવાણી ઉર્ફ એન્થોનીને છોટાઉદેપુર પોલીસ જાપ્તા હેઠળ વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવ્યા બાદ તેને નિયમો નેવે મુકીને સયાજીગંજની એક હોટલમાં હાથકડી બાંધ્યા વિના જ લઈ ગઈ હતી જયાં તક મળતા જ એન્થોની તેને મળવા માટે આવેલી બે મહિલાની મદદથી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા ચકચાર મચી છે. છોટાઉદેપુર પોલીસે શરૂઆતમાં એન્થોની દવાખાનામાંથી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયાની ખોટી વાત જણાવી હતી પરંતું મોડી સાંજે તે હોટલમાંથી ફરાર થયાની વિગતો સપાટી પર આવતા જાપ્તાના પીએસઆઈ સહિતના છોટાઉદેપુરના જાપ્તાના પોલીસ જવાનોની પોલીસે અટકાયત કરી ફરાર આરોપી એન્થોનીની શોધખોળ શરૂ કરી છે.

વડોદરા સહિત રાજ્યભરમાં હાહાકાર મચાવનાર કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીનો એક સમયનો સાગરીત શાર્પશુટર અનિલ ગંગવાણી ઉર્ફ એન્થોની (સવાંદ ક્વાટર્સ, હરણીરોડ)એ થોડાક સમય અગાઉ છોટાઉદેપુરના કંવાટ સ્થિત પાનવડમાં રહેતા ખેડુત લાલીયા રાઠવાને તેનો કપાસ માર્કેટ રેટ કરતા વધુ ભાવે ખરીદવાની વાત કરી હતી અને પહેલા તેની પાસેથી કપાસ ખરીદ કરી ૫૦ હજાર ચુકવી તેને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ તેણે ખેડુત પાસેથી ત્રણ તબક્કામાં કપાસ ખરીદ્યો હતો અને જાતે પૈસા આપવા આવીશ તેમ કહી જાતે આવીને ખેડુતને ૫.૪૦ લાખ રોકડા આપ્યા હતા. જાેકે એન્થોનીએ આપેલા તમામ નાણાં ડુપ્લીકેટ ચલણી નોટો હોવાની જાણ થતાં ખેડુતે એન્થોનીનો સંપર્ક કર્યો હતો પરંતું એન્થોનીએ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની અને મારી નાખવાની ધમકી આપતા ખેડુતે એન્થોની વિરુધ્ધ પાનવડ પોલીસ મથકમાં બોગસ ચલણી નોટો અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં છોટાઉદેપુર પોલીસે એન્થોનીની ધરપકડ કરી તેને છોટાઉદેપુરની સબ જેલમાં મોકલી આપ્યો હતો.

છોટાઉદેપુર પોલીસે આજે એન્થોની સાથે સબ જેલમાં હત્યા અને બળાત્કારના ગુનાના કેદ કુલ ત્રણ આરોપીઓને પીએસઆઈ સહિતના પોલીસ જાપ્તા સાથે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખાનગી ગાડીમાં લાવી હતી. બપોરે હોસ્પિટલમાં બતાવ્યા બાદ છોટાઉદેપુર પોલીસ ભેદી સંજાેગોમાં એન્થોનીને હાથકડી વિના જ સયાજીગંજની પુજા હોટલમાં લઈ ગઈ હતી જયાં એન્થોનીને તેની બહેન અને પત્ની તેમજ પુત્રી મળવા આવી હોવાનું કહેવાય છે.

જાેકે એન્થોનીએ જાપ્તાના પીએસઆઈ સહિત પોલીસ જવાનોને મહેમાનગતિ માનવા માટે હોટલની રૂમમાં લઈ ગયા બાદ તક મળતા જ એન્થોની તેને મળવા આવેલી મહિલાઓની મદદથી પોલીસ જવાનોને ચકમો આપી ફરાર થયો હતો. એન્થોની ફરાર થતા જ જાપ્તાના પોલીસ જવાનોએ હાંફળા ફાંફળા બની તેની શોધખોળ શરૂ કરી હતી પરંતું તેનો પત્તો નહી લાગતા આખરે જાપ્તાના પીએસઆઈએ એન્થોની હોસ્પિટલમાંથી ફરાર થયાની બોગસ વાત જાહેર કરતા એસીપી મેઘા તેવર સહિતના સ્ટાફે હોસ્પિટલ અને હોટલમાં તપાસ કરી હતી અને જાપ્તાના પીએસઆઈ અને પોલીસ જવાનોને રાવપુરા પોલીસ મથકમાં બેસાડી દીધા હતા. જાેકે પુજા હોટલના સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણીમાં એન્થોની હોટલમાંથી ફરાર થયાનું સપાટી પર આવતા અને આ બનાવ સયાજીગંજ પોલીસ મથકની હદમાં બન્યો હોવાની ખાત્રી થતાં રાત્રે જાપ્તાના પીએસઆઈ અને સ્ટાફને સયાજીગંજ પોલીસ મથકમાં મોકલી આ બનાવની સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરાઈ છે.

પૂજા હોટલમાં અનેક પોલીસ જવાનો મહેમાનગતિ માણે છે

એન્થોની આજે બપોરે સયાજીગંજની જે હોટલમાંથી ફરાર થયો તે પુજા હોટલમાં મોટાભાગના પોલીસ જવાનો સાથે રીઢા આરોપીઓની પણ સતત અવરજવર થતી હોવાનું કહેવાય છે. આ હોટલમાં બેથી ત્રણ કલાકના રોકાણ કરવા માટે આવતા યુગલોની પણ માનીતી હોવાનું કહેવાય છે. એટલું જ નહી પોલીસ તંત્ર જાે આ હોટલના છેલ્લા એક માસના સીસીટીવી કેમેરાના ફુટેજ કાઢશે તો એન્થોની ઉપરાંત શંકાસ્પદ યુગલો તેમજ પોલીસ જવાનો આ હોટલમાં આવ્યા હોવાની પણ ચોંકાવનારી વિગતો સપાટી પર આવશે.

૨૦૨૦માં એન્થોની સિટી પોલીસના જાપ્તામાંથી પણ ફરાર થયેલો

ખુંખાર આરોપી એન્થોની ગત ૨૦૨૦માં પણ સિટી પોલીસના જાપ્તાને ચકમો આપીને ફરાર થયો હતો પરંતું પોલીસે તેની ઘનિષ્ટ શોધખોળ આદરતા તે ગણતરીના કલાકમાં ઝડપાયો હતો. એન્થોની પોલીસ જાપ્તામાંથી ભાગવાની ટેવવાળો હોવા છતાં છોટાઉદેપુર પોલીસે તેને આજે હોટલમાં હાથકડી વિના જ લઈ ગઈ હતી અને તેનો લાભ લઈ એન્થોની આજે ફરી પોલીસ જાપ્તામાથી ફરાર થયો હતો.

એન્થોનીની ૧૨થી વધુ ગંભીર ગુનામાં સંડોવણી

હરણીરોડ પર સંવાદ ક્વાટર્સમાં રહેતો એન્થોની શાર્પશુટર છે તેમજ તેની વિરુધ્ધ લુંટ, ફાયરીંગ, ધમકી અને દારૂબંધીના બારથી વધુ ગુના નોંધાયેલા છે. પહેલા તે મુકેશ હરજાણીનો સાગરીત હતો અને મુકેશના ઈશારે ગંભીર ગુનાઓ આચરતો હતો પરંતું ત્યારબાદ તેને મુકેશ હરજાણી સાથે વિવાદ થતાં તે મુકેશ હરજાણીનો દુશ્મન બન્યો હતો. ગત ૨૦૧૬માં થયેલી મુકેશ હરજાણીની હત્યાનો ખુદ તેને પ્લાન બનાવ્યો હતો તેમજ મુકેશ હરજાણીની હત્યા માટે તે જે તે સમયે તેની સાથે અન્ય બે શાર્પશુટરને પણ લઈ આવ્યો હતો.