શિલ્પાપતિની મુશ્કેલીઓ સતત વધી રહી છે, રાજ કુંદ્રા પર અમદાવાદના વેપારીના ઠગાઈનો આરોપ

અમદાવાદ-

અશ્લીલ વીડિયો બનાવવાના આરોપસર શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. રાજ કુન્દ્રાની સમસ્યાઓ એક પછી એક વધી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ધરપકડ પછી હવે અમદાવાદના એક વેપારીએ રાજ કુન્દ્રાની કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાન્ચ અને સાઈબર સેલને કરવામાં આવેલી આ ફરિયાદમાં વેપારીએ રાજ કુન્દ્રાની કંપની પર ૩ લાખની છેતરપિંડીનો આરોપ મુક્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતના વેપારીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે રાજ કુન્દ્રાની કંપનીએ તેમને ઓનલાઈન ક્રિકેટ ગેમના ડિસ્ટ્રિબ્યુટર બનાવવાનું વચન આપ્યુ હતું. આ માટે તેમની પાસેથી ૩ લાખ રુપિયા લેવામાં આવ્યા હતા. પોલીસ આ ફરિયાદના આધારે તપાસ કરી રહી છે અને તેના આધારે રાજ કુન્દ્રા વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરશે. ગુજરાતના વેપારી હિરેન પરમારે પોતાની ફરિયાદ ઓનલાઈન દાખલ કરાવી છે. તેમણે આરોપ મુક્યો છે કે, વિઆન ઈન્ડસ્ટ્રીઝે વચન આપ્યુ હતું કે તે ઓનલાઈન ગેમ ગેમ ઓફ ડોટના ડિસ્ટ્રિબ્યૂટર બનાવશે. પરંતુ કંપની પોતાની વાત પરથી ફરી ગઈ અને જ્યારે તેમણે ૩ લાખ રુપિયા પાછા માંગ્યા તો કંપની તરફથી કોઈ જવાબ નથી મળ્યો. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે હિરેન પરમારે વર્ષ ૨૦૧૯માં ગુજરાત સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ. મુંબઈ પોલીસ દ્વારા રાજ કુન્દ્રાની ધરપકડ કરવાને કારણે હિરેને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો. હિરેન પરમારનો દાવો છે કે રાજ કુન્દ્રાની કંપનીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી છે અને કરોડો રુપિયા પડાવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution