દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026  |   2178

વટવામાં ર૦ દિવસની બાળકીને રમાડવાના બહાને લઈ જઈ વેચી દેવાની ઘટના માત્ર એક પોલીસ કેસ નથી. આ ઘટનાએ ગેરકાયદે બાળક દત્તક લેવાના કાળા કારોબાર તરફ ફરી એક વાર ધ્યાન દોર્યું છે. બાળકોનાં ખરીદ-વેચાણનું નેટવર્ક વર્ષોથી વિવિધ રાજ્યમાં સક્રિય છે અને તેમાં વચેટિયાઓ, ગરીબ પરિવારો, નકલી દસ્તાવેજાે તથા બાળક દત્તક લેવા આતુર દંપતીઓ સુધીની આખી સાંકળ કામ કરતી હોય છે. કાયદાને બાયપાસ કરીને બેબી માર્કેટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.

ભારતમાં બાળકને દત્તક લેવાની કાયદેસર પ્રક્રિયા લાંબી અને કડક હોવાથી કેટલાક લોકો ગેરકાયદે રસ્તો અપનાવે છે. ખાસ કરીને નવજાત બાળકની માગ સૌથી વધુ હોવાથી આવાં બાળકો માટે લાખો રૂપિયાના સોદા થતા હોવાના અનેક કેસ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આવા રેકેટમાં સૌથી પહેલાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો પર નજર રાખવામાં આવે છે. કેટલીક વખત કુંવારી માતાઓ અથવા ગંભીર આર્થિક સંકટમાં રહેલી મહિલાઓનો સંપર્ક કરવામાં આવે છે. બાળકના બદલામાં રોકડ રકમની ઓફર કરીને બાળકને જન્મ બાદ તરત જ અન્ય વ્યક્તિને સોંપી દેવામાં આવે છે.

આ સમગ્ર પ્રક્રિયામાં વચેટિયાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ બાળક લેવા ઇચ્છતા દંપતી અને બાળક આપનાર વ્યક્તિ વચ્ચે કડી તરીકે કામ કરે છે. ત્યાર બાદ ખોટાં જન્મ પ્રમાણપત્ર, નકલી હોસ્પિટલ રેકોર્ડ અને દત્તકના બનાવટી દસ્તાવેજાે તૈયાર કરીને સમગ્ર સોદાને કાયદેસર હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પણ આવા રેકેટ માટે માધ્યમ બન્યું છે. વોટ્સએપ ગ્રૂપ, ફેસબુક અને ઓળખાણના નેટવર્ક દ્વારા બાળક દત્તક લેવા ઇચ્છતા લોકો સુધી પહોંચવામાં આવે છે. ત્યાર બાદ લાખો રૂપિયામાં બાળકનો સોદો કરવામાં આવે છે. ગેરકાયદે દત્તક લેવાયેલા બાળકને ભવિષ્યમાં પોતાની ઓળખ, વારસાગત અધિકાર અને જન્મના રેકોર્ડ જેવી અનેક કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી કાયદેસર પ્રક્રિયા સિવાય બાળક દત્તક લેવું કે આપવું ગંભીર ગુનો ગણાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution