શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ વાનગી ઉપવાસમાં ઘણા મહત્વની છે. એક અત્યંત મોહક વાનગી જે મીઠી સામગ્રી વડે બનાવવામાં આવી છે. આ અદભૂત હલવો તમે જરૂર બનાવજો જેમાં સક્કરકંદને એલચી પાવડર અને કેસર વડે વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની સાથે તેમાં મેળવેલો સૂકો મેવો તેને વધુ પૌષ્ટિક બનાવે છે. અહીં ખાસ ધ્યાન રાખશો કે જણાવેલા સમય સુધી જ સક્કરકંદને સાંતળશો જેથી તેમાં રહેલી કાચી સુગંધ જતી રહે અને તે વધુ ખુશ્બુદાર બને. અંતમાં જ્યારે તમે તેને તાપ પરથી નીચે ઉતારો ત્યારે હલવો બહુ સૂકો નહીં અને નરમ હોવો જોઇએ.

સામગ્રી :

૨ કપ બાફી , છોલીને છૂંદેલો સક્કરકંદ,થોડી કેસરના રેસા,૧ ટેબલસ્પૂન હુંફાળુ દૂધ,૧ ટીસ્પૂન ઘી,૩/૪ કપ દૂધ,૧/૨ કપ સાકર,૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર,૨ ટેબલસ્પૂન સમારેલો સૂકો મેવો.

બનાવાની રીતઃ

એક નાના બાઉલમાં કેસર અને હુફાળું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં સક્કરકંદ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં દૂધ, ૧/૨ કપ પાણી, સાકર અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા મિશ્રણ બહુ સૂકો ન બને અને નરમ રહે ત્યાં સુધી તે રીતે સતત હલાવતા રહી રાંધી લો.પૅનને તાપ પરથી નીચે ઉતારી તેમાં કેસર-દૂધનું મિશ્રણ અને સૂકો મેવો મેળવી સારી રીતે મિક્સ કરી લો.તરત જ પીરસો.