ભરૂચ, તા.૨૩ 

લોકડાઉનના પગલે ૨૫૦ વર્ષ પૂર્વેથી ચાલતી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા આ વર્ષે તૂટી હતી.ભરૂચના ફુરજા વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા આ વખતે મંજૂરી ન મળવાના કારણે સ્થગિત રહી હતી. ભગવાન જગન્નાથના ભક્તોએ રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવી યાત્રાની પૂર્ણાહુતી કરી હતી. જ્યારે ભરૂચની આશ્રય સોસાયટી ખાતે આવેલ જગન્નાથ મંદિરે પણ રથયાત્રાને મંદિરની પ્રદક્ષિણા કરાવી પૂર્ણ કરાઈ હતી.ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તથા ભાજપના આગેવાનોએ ફુરજા ખાતે આવેલ ભગવાન જગન્નાથજીની આરતી કર્યા બાદ રથયાત્રાનો પ્રારંભ કરાવી પરિસરમાં જ યાત્રા ફેરવી હતી.

છોટાઉદેપુર :  છોટાઉદેપુર નગર માં રણછોડ રાય ભક્ત મંડળ દ્વારા અષાઢી બીજની રથયાત્રા ભવ્ય આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારી અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ વખત નગર માં નીકળનારી રથયાત્રા મોકુફ રાખવામાં આવી હતી તેમજ આજે નગર ની મધ્ય માં આવેલ રણછોડ રાય મંદિર ખાતે જગન્નાથજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આજે ગામના ભાવિક ભક્તો સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી આ આરતીનો લાહવો લીધો હતો.

ડભોઇ : ડભોઇ બદ્રીનારાયણ મંદિર ખાતે ૧૨મા વર્ષે રથયાત્રા કોરોનાની મહામારી ના કારણે સરકારના આદેશ મુજબ રથયાત્રા મંદિર પરિસરમાં સંતો દ્વારા ફેરવવામાં આવી હતી જેમાં ભક્તોએ જગન્નાથજી ભગવાનના દર્શન કરી સંતોષ માન્યો હતો.

અંક્લેશ્વર : અંકલેશ્વર નાં ભરૂચીનાકા વિસ્તાર માં જગન્નાથ મંદિર ખાતે અષાઢી બીજ નાં રોજ ભાવિક ભક્તો દ્વારા ભગવાન બલભદ્રજી , બહેન સુભદ્રાજી અને જગન્નાથજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી , કોરોના મહામારી નાં કારણે રથયાત્રા મોકૂફ રાખવામાં આવતા મંદિર નાં ટ્રસ્ટી ઓ દ્વારા સરકાર ની ગાઈડ લાઇન નું સંપૂર્ણ પાલન થાય તે માટે ટેમ્પરેચર ગન તેમજ સેનેટાઇઝર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પાદરા : પાદરામાં સાદાઇથી રથયાત્રાની ઉજવણી કરાઇ હતી. ભકતોએ માસ્ક પહેરીને મંદિરમાં દર્શન કર્યા હતા.