વડોદરા : પાલિકાની આજે છેલ્લી મળેલી સામાન્યસભામાં વિવાદીત બે મુદ્દાઓ ઉપર ચર્ચા થયા બાદ એનો નિર્ણય સોમવાર ઉપર મુલતવી રાખવામાં આવ્યો હતો. વાલીઓને લૂંટતી શાળાઓને મફતના ભાવે જમીન પધરાવી દેવાનો કારસો અને શિક્ષણ સમિતિના હંગામી કર્મચારીઓને કાયમી કરવાની દરખાસ્ત પાછળ મોટા ભ્રષ્ટાચારની શંકાએ આજની સભા તોફાની બનવાની હતી, પરંતુ એની સોમવારે ચર્ચા રાખવામાં આવી હતી અને આગામી સોમવાર ઉપર આ મુદ્‌ાઓ ઉપર ચર્ચા અને વોટિંગ થશે. 

ભાજપના પાલિકામાં રપ વર્ષના શાસન પૈકી વર્તમાન બોર્ડની ત્રણ સભા આજે મળી હતી. પરંતુ વિવાદાસ્પદ મુદ્દાઓ સિવાય રસ્તા, પાણી-ડ્રેનેજ અને સફાઈના મુદ્દા વિપક્ષે પસ્તાળ પાડી હતી. જાે કે, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ શાળાઓને મફતના ભાવે પ્લોટ પધરાવવા ઉપરાંત ભાડામાં મોટી રાત માટે સામાન્ય સભાની મંજૂરી કેમ લેવાઈ નથી એવો સવાલ ઉઠાવી શાસકોને ઘેર્યા હતા. જ્યારે આરએસપીના નેતા રાજેશ આયરેએ પણ પાલિકામાં સમાવાયેલા ગામોમાં કોટા ફોડવારીના કામો નહીં કરવાના નિર્ણયનો ભારે વિરોધ કરી એ ગામના રહીશોની સમસ્યાઓ અંગે જરૂર પડશે તો રેલી લઈ કમિશનર ઓફિસે પહોંચવાની તૈયારી દર્શાવી હતી. કોંગ્રેસના કોર્પોેરેટર અમી રાવતે પણ એજન્ડામાં પૂછેલા પ્રશ્નોના જવાબ અપાતા નહીં હોવા ઉપરાંત ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના મુદ્દા ફલોર ઉપર બેસી વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપના છેલ્લા રપ વર્ષના શાસનની આ પાંચમી ટર્મ સૌથી વિવાદીત અને ભ્રષ્ટાચારી હોવાનો સતત આરોપ લાગતો રહે છે ત્યારે છેલ્લે પણ ભ્રષ્ટાચાર કરવાનું છોડવા તૈયાર ના હોય એમ શાળાઓને મફતના ભાવે પ્લોટ અને નજીવા ભાડાની દરખાસ્ત પાછળ મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે. બીજી તરફ શિક્ષણ સમિતિના હંગામી કર્મચારીઓને કાયમી કરવા માટે એક કરોડ રૂપિયા ઉઘરાવાયા હોવાનું કહેવાય છે. બે મહિના બાદ વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભાઓ એકસાથે ત્રણ આજે ગાંધી નગરગૃહ ખાતે યોજાઈ હતી, જેમાં વિપક્ષી નેતાએ પાલિકાનું સંચાલન ખાનગી પેઢીની જેમ ચાલતું હોવાનું જણાવી કોટા ફોડવારીના કામોનો નિર્ણય અંગે વિરોધ દર્શાવી બજેટમાં ફાળવાયેલા કામો રોકી શકાય નહીં એમ જણાવી ફરાસખાનાના ઈજારદારને શાસકોના આશીર્વાદથી ગેરકાયદે ઈજારો લંબાવી આપવા ઉપરાંત અન્ય પાંચ લાખમાં કરી શકે એવા કામના આ ઈજારદાર ર૮ લાખ લે છે એમ જણાવ્યું હતું.

પાલિકામાં સમાવાયેલા સાત ગામોને પાલિકાતંત્રે રામ ભરોસે છોડી દીધા હોવાનું જણાવી આરએસપીના રાજેશ આયરેએ નવા સમાવાયેલા ગામોમાં પીવાનું પાણી મળતું નથી. આ ગામોમાં કોર્પોરેટરો કોટા ફોડવારીના કામ ના કરી શકે એવા નિર્ણયનો ભારે વિરોધ કરી આ ગામોનો વિકાસ કરવા સમાવાયા છે કે વિનાશ કરવા? એવો સવાલ ઉઠાવી સાત ગામોના રહીશોને પાણી-ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટલાઈટની સુવિધા નહીં અપાય તો મોરચો લઈ મ્યુનિ. કમિશનરનો ઘેરાવો કરીશ એવી ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવતે એજન્ડામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ નહીં અપાતો હોવાનું ભારે વિરોધ સાથે જણાવી ફલોર ઉપર બેસી ગયાં હતાં. કોર્પોરેશનની સભામાં સભાસદ દ્વારા શહેરની પ્રજાને પડતી મુશ્કેલીઓ બાબતે પ્રશ્નો પૂછી તંત્ર પાસે કામ લઈ સુવિધા આપવાનું હોય છે, પરંતુ અમારા પ્રશ્નોના જવાબ જ ન આપવાના હોય તો આ સભાનો કોઈ મતલબ જ નથી એમ જણાવી જ્યાં સુધી સમગ્ર સભા ચાલશે ત્યાં સુધી ફલોર ઉપર બેસી વિરોધ કરીશ એમ કહી જમીન ઉપર અડિંગો જમાવ્યો હતો.