વડોદરા, તા. ૧૯

હરણી લેકઝોન ખાતે સર્જાયેલા હોડીકાંડમાં તમામ આરોપીઓની ધરપકડ બાદ હવે પોલીસે કોર્પોરેશનના અધિકારીઓની પુછપરછની તજવીજ શરૂ કરતા કોર્પોરેશનના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. હોડીકાંડમાં તાજેતરમાં ટર્મિનેટ કરાયેલા કોર્પોરેશનના એડિ.આસી. એન્જિનિયર તેમજ સસ્પેન્ડ કરાયેલા એડી.આસી. એન્જિનિયરને હોડીકાંડની તપાસ કરતી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે પુછપરછ માટે આવતીકાલે હરણી પોલીસ મથકમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. બીજીતરફ હાલમાં રિમાન્ડ પર લેવાયેલા લેકઝોનના કોટિયા પ્રોજેક્ટમાં સિગ્નેટરી ઓથોરિટી વત્સલ શાહે તેનો મોબાઈલ ફોન હોડીકાંડ વખતે બચાવ કામગીરી કરતી વખતે તળાવમાં પડી ગયો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું પરંતું પોલીસે કડકાઈથી પુછપરછ કરતાં તેણે તેના સંબંધીના ત્યાં છુપાવેલો મોબાઈલ મંગાવીને પોલીસને સોંપ્યો હતો.

લેકઝોનના હોડીકાંડની હરણી પોલીસ મથકમાં કોટિયા પ્રોજેક્ટના ૧૮ ભાગીદારો સામે કોર્પોરેશનના અધિકારીએ જ ફરિયાદ નોંધાવી હતી અને હોડીકાંડની તપાસ માટે નિમાયેલી સીટની તપાસમાં લેકઝોનના મુખ્ય સંચાલક પરેશ શાહ તેમજ પેટા કોન્ટ્રાકટરો નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટની પણ સંડોવણી આવતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવ્યા હતા અને હાલમાં એક આરોપી સિવાય તમામ આરોપીઓ જેલભેગા કરાયા છે. જાેકે આ બનાવમાં લેકઝોનના પાર્ટનરો સાથે કોર્પોરેશનના અધિકારીઓ અને શાળા સંચાલકો પણ જવાબદાર હોઈ તેઓની સામે પણ કાર્યવાહી કરવા માટે હોડીકાંડના મૃતકનો પરિવારજનો ઉગ્ર માંગ કરી રહ્યા છે.

દરમિયાન હોડીકાંડમાં તંત્ર પર માછલા ધોવાતા રાજ્ય સરકારે મેજી.તપાસનો આદેશ કર્યો હતો જેમાં જિલ્લા કલેકટરે તેમનો રિપોર્ટ રાજય સરકારને સુપ્રત કર્યો છે જયારે મ્યુનિ.કમિ.એ પણ ડેપ્યુટી કમિ.ને આંતરિક તપાસનો આદેશ કર્યો હતો જેમાં ફ્યુચરિસ્ટિક સેલ, પુર્વઝોન અને ઉત્તર ઝોનના એન્જિનિયરીંગ વિભાગના છને કારણદર્શન નોટીસ આપી સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું અને હોડીકાંડના એક મહિના બાદ ગઈ કાલે ફ્યુચરિસ્ટીક સેલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા એડિ.આસી.એન્જિનિયર મિતેષ માળીને ટર્મિનેટ કરાયા હતા જયારે ઉત્તર ઝોનના એડિ.આસિ. એન્જિનિયર જિગર સયાનિયાને સસ્પેન્ડ કરવાનો આદેશ થયો હતો. હોડી કાંડમાં કોર્પોરેશનના બે અધિકારીઓને ટર્મિનેટ અને સસ્પેન્ડ કરાયાની જાણ થતાં સીટની ટીમે હવે તપાસનો દોર કોર્પોરેશનમાં લંબાવ્યો છે. આ અંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનના ટર્મિનેટ અને સસ્પેન્ડ કરાયેલા બંને અધિકારીઓને આવતીકાલે મંગળવારે હરણી પોલીસ મથકમાં હાજર રહેવા માટે સુચના આપી છે અને આ બંનેની હોડીકાંડ સંદર્ભે પુછપરછ કરવામાં આવશે.

બીજતરફ લેકઝોનનો મુખ્ય સંચાલક પરેશ શાહના પુત્ર વત્સલ શાહ પોલીસ રિમાન્ડ પર હોઈ પોલીસ તેની પુછપરછ કરી રહી છે. વત્સલ શાહ લેકઝોનનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોટિયા પ્રોજેક્ટમાં પહેલાથી ભાગીદાર હતો અને લેકઝોનના આર્થિક વ્યવહારો તેમજ લેવડદેવડ માટે તે સિગ્નેટરી ઓથોરિટી હતો અને લેકઝોનના મેનેજર તેને તમામ હિસાબો અને લેવડદેવડની વિગતો મોબાઈલ પર મોકલતો હતો. વત્સલના મોબાઈલમાં આ હિસાબો અને દસ્તાવેજાેને લગતા પુરાવા હોઈ પોલીસે તેના મોબાઈલ ફોન જપ્ત કરવાની કામગીરી કરી હતી પરંતું વત્સલ શાહે તેનો મોબાઈલ પોલીસને આપવાના બદલે એવી વિગતો જણાવી હતી કે હોડીકાંડ બાદ બચાવ કામગીરી વખતે તેનો મોબાઈલ તળાવમાં પડી ગયો છે. આ વિગતોના પગલે ફાયર બ્રિગેડની મદદથી વત્સલનો ફોન તળાવમાંથી શોધવા માટે તેને સાથે લઈ ગઈ હતી. જાેકે કડકાઈથી પુછપરછ વત્સલે તે ખોટી માહિતી આપીને પોલીસને ગોળગોળ ફેરવી રહ્યાનું કબુલ્યું હતું અને તેના એક સંબંધીના ત્યાં છુપાવેલો મોબાઈલ ફોન પોલીસ મથકમાં મંગાવીને પોલીસને સોંપ્યો હતો.

પરેશ શાહની પત્ની અને પુત્રી જેલભેગી કરાઈ

હોડીકાંડ બાદ ૨૭ દિવસ સુધી પોલીસને હાથતાળી આપીને ફરાર રહેલી પરેશ શાહની પત્ની નુતન તેમજ પુત્રી વૈશાખી નાટકિય ઢબે દેણા ચોકડી પાસેથી ઝડપાતા તેઓના ચાર દિવસના રિમાન્ડ મેળવાયા હતા. આજે આ બંનેના રિમાન્ડનો સમયગાળો પુરો થતાં તેઓને કોર્ટમાં રજુ કરાયા હતા જયાં બંનેને જ્યુડિશ્યલ કસ્ટડી હેઠળ સેન્ટ્રલ જેલમાં મોકલાયા હતા. આ બંનેએ વડોદરાથી ભાગીને ભરુચ અને ત્યાંથી રાજસ્થાનમાં ગયા હોવાની વિગતો જણાવી હોઈ પોલીસે આ બંને માતા-પુત્રીને આશરો આપનારની શોધખોળ શરૂ કરી છે.