લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, એપ્રીલ 2026 |
2277
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પાટનગરના નાગરિકો માટે અત્યાધુનિક અને પર્યાવરણલક્ષી પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી રચાયેલી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (એસપીવી) કંપની ‘ગાંધીનગર ગ્રીનલાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ’ની પ્રથમ બોર્ડ મીટિંગ ગત તા. ૦૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં શહેરની સિટી બસ સેવાને વેગ આપવા માટે મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની માલિકીની આ જાહેર કંપનીને તા. ૧૪/૦૩/૨૦૨૬ ના રોજ ઇનકોર્પોરેટેડ કરવામાં આવી હતી. આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગર શહેરમાં સ્માર્ટ ઈ-બસ સેવાનું કાર્યક્ષમ સંચાલન, નિયમિત જાળવણી અને પ્રોજેક્ટનું સુચારુ અમલીકરણ સુનિશ્ચિત કરવાનો છે.
આ પ્રથમ બોર્ડ બેઠક દરમિયાન સિટી બસ સેવાને વહેલી તકે કાયાર્ન્વિત કરવાના ભાગરૂપે ‘ફેર કલેક્શન એજન્સી’ અને ‘પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઈડર’ (પીએમએસપી) માટેની નિર્ધારિત એજન્સીઓની નિયુક્તિને મંજૂરી આપવામાં આવી છે. આ એજન્સીઓની નિમણૂક થવાથી બસ સેવાના આયોજન અને ભાડા ઉઘરાવવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને આધુનિકતા આવશે. ગાંધીનગર શહેરના નાગરિકોને પ્રદૂષણમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાસભર જાહેર ઈ-બસ પરિવહન સેવા પૂરી પાડવા માટે તંત્ર સજ્જ છે અને ટૂંક સમયમાં જ આ સ્માર્ટ ઈ-બસો શહેરના માર્ગો પર દોડતી થશે. આ પ્રોજેક્ટથી રાજધાનીની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે અને પર્યાવરણ જાળવણીમાં પણ મદદ મળશે.