વડોદરા, તા. ૨૭

સાવલીના મંજુસરમાં રહેતા સાવલી તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખનો યુવાન પુત્ર ત્રણ દિવસ અગાઉ રાત્રે સાઈટ પર જવાનું કહીને કારમાં નીકળ્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થતાં પરિવારજનોમાં દોડધામ મચી છે. પ્રાથમિક તપાસમાં કાર સાઈટ પરથી મળી આવી હતી પરંતું યુવાન પુત્રનો મોબાઈલ ફોન સ્વીચઓફ હોઈ પરિવારજનો ચિંતાતુર બન્યા છે. આ બનાવની હાલમાં ભાદરવા પોલીસને જાણ કરાતા પોલીસે આ બનાવ પ્રેમપ્રકરણ, અપહરણ, અંગત અદાવત કે ધંધાકિય હરિફાઈમાં બન્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલમાં વડોદરામાં રહેતા સાવલી તાલુકા કોંગ્રેસના માજી પ્રમુખ તેમજ ક્ષત્રીય સમાજના અગ્રણી વિજયસિંહ વાઘેલાનો ૨૨ વર્ષીય પુત્ર કુલદીપસિંહ મંજુસર ખાતે વાણિયાશેરીમાં રહે છે તેમજ મંજુસર જીઆઈડીસી સહિત અન્ય સ્થળોએ મકાન-કંપનીઓના બાંધકામનો વ્યવસાય કરે છે. ગત ૨૪મી તારીખના રાત્રે આઠેક વાગ્યાના અરસામાં કુલદીપસિંહ સાઈટ પર માટી કામ કરાવવાનું કહીને ઘરેથી પોતાની કાર લઈને નીકળ્યો હતો.

જાેકે મોડી રાત સુધી તે પરત નહી આવતા પરિવારજનોએ તેનો મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હોઈ સંપર્ક નહી થતાં પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. બીજાદિવસે સવારે પણ કુલદીપસિંહ ઘરે પરત નહી ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી જેમાં તેની કાર મંજુસર જીઆઈડીસીમાં નિર્જન સ્થળે ચાલતી સાઈટ પરથી મળી આવી હતી. આ બનાવની જાણ થતાં કુલદીપસિંહના પરિવારજનો તેમજ મિત્રો અને કોંગી કાર્યકરોએ તેની સંભવિત તમામ સ્થળોએ શોધખોળ શરૂ કરી હતી પરંતું તેનો ત્રણ દિવસ સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી. આ બનાવની વિજયસિંહ વાઘેલાએ ભાદરવા પોલીસ મથકમાં પુત્રના ગુમ થવાની જાણ કરી હતી.