મુંબઇ 

પ્રવાસીઓના મસીહા બનેલા સોનુ સૂદે થોડાં સમય પહેલાં જ ખુલાસો કર્યો હતો કે તે એક પુસ્તક લખી રહ્યો છે. હવે સોનુની ઓટોબાયોગ્રાફીનું ટાઈટલ રિવીલ થયું છે અને તે છે 'આઈ એમ નો મસીહા.' આ પુસ્તકમાં સોનુને મદદ દરમિયાન જે પણ મુશ્કેલીઓ આવી તેની વાત કરવામાં આવી છે.

સોનુની આ બુક હિંદી તથા અંગ્રેજીમાં છે. સોનુએ સોશિયલ મીડિયામાં બુક કવર તથા અન્ય માહિતી શૅર કરી છે. તેણે કહ્યું હતું, 'આઈ એમ નો મસીહા', ડિસેમ્બરમાં આવશે. આ મારા જીવનની વાત છે. આ સાથે જ તે હજારો પ્રવાસી શ્રમિકોની પણ.' પુસ્તકને પેંગ્વિન ઈન્ડિયા પબ્લિશ કરશે. આ બુકના કવર સોનુ સૂદ તથા મીરા કે ઐય્યર એમ બે નામ લખવામાં આવ્યા છે.

સોનુ પોતાને મસીહા માનતો નથીસોનુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'લોકો ઘણાં જ દયાળુ છે અને તેઓ મને મસીહા કહે છે. જોકે, સાચી વાત એ છે કે હું મસીહા નથી. મારું મન કહે એ જ હું કરું છું. એક વ્યક્તિ હોવાને નાતે એકબીજાની મદદ કરવી આપણી જવાબદારી છે. હું ભગવાનનો આભારી છું કે તેમણે મને પ્રવાસીઓની મદદ કરવા માટે પસંદ કર્યો. મારું હૃદય મુંબઈ માટે ધબકે છે. અલબત્ત, આ મૂવમેન્ટ બાદ મને લાગે છે કે મારો જ એક હિસ્સો ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર, આસામ તથા અન્ય રાજ્યોમાં પણ છે. જ્યાં મને નવા મિત્રો તથા ગાઢ સંબંધો મળ્યા. આથી જ મારી આત્મા સાથે જોડાયેલા આ તમામ અનુભવો તથા વાર્તાને હું પુસ્તકમાં લખીશ.'