કોરોના લોકડાઉન પૂરું થયા બાદ ટીવી સિરિયલના શૂટિંગ ફરીથી શરૂ થઇ ગયા છે. એક્ટર્સ બધી સાવચેતી રાખીને શૂટિંગ કરી રહ્યા છે. સાથે જ સેટ પર પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેમ છતાં સેટ પર કોરોનાના કેસ આવી રહ્યા છે.

હાલમાં જ ફેમસ શો ભાભીજી ઘર પર હૈંના એક ક્રૂ મેમ્બરને કોરોના થયો છે. સિરિયલમાં ગોરી મેમનો રોલ પ્લે કરનાર સૌમ્યા ટંડનના હેર ડ્રેસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને તાત્કાલિક ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. સૌમ્યાએ થોડા દિવસ પહેલાં જ શૂટિંગ શરૂ કર્યું હતું પણ હવે તેના ભાગનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. પ્રોડક્શન હાઉસે તેને સાવધાનીના ભાગ રૂપે શૂટિંગ પર ન આવવાની સલાહ આપીને તેને ધ્યાન રાખવા કહ્યું છે. જોકે, શોનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું નથી અને બાકીના આર્ટિસ્ટ તેમનું શૂટિંગ કરી રહ્યા છે.

મેકર્સે સેટ પર જઈને સુનિશ્ચિત કર્યું છે કે સેટ પર દરેક સાવધાની રાખવામાં આવી રહી છે કે નહીં અને ત્યારબાદ શૂટિંગ ચાલું રાખવાનો નિર્ણય લીધો છે. ભાભીજી ઘર પર હૈં પહેલાં એક મહાનાયક ડો.બીઆર આંબેડકરના સેટ પર એક્ટર જગન્નાથ નિવાંગુનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ શોનું શૂટિંગ 3 દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું અને બુધવારે 8 જુલાઈથી ફરી શરૂ થયું. થોડા સમય પહેલાં મેરે સાઈ સિરિયલના ક્રૂના એક સભ્યને કોરોના થયો હતો ત્યારબાદ શોનું શૂટિંગ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.