કોલંબો-

દક્ષિણ આફ્રિકાએ ટી-૨૦ શ્રેણીમાં શ્રીલંકાના સૂપડા સાફ કર્યા છે. મુલાકાતી ટીમે છેલ્લી મેચમાં શ્રીલંકાને ૧૦ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૨૦ ઓવરમાં આઠ વિકેટના નુકસાને ૧૨૦ રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ૩૨ બોલ બાકી રહેતા ૧૨૧ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ક્વિન્ટન ડી કોક (૫૬) અને રિઝા હેન્ડ્રિક્સ (૫૯) એ મેચમાં પ્રથમ વિકેટ માટે ૧૨૧ રનની અતૂટ ભાગીદારી કરી હતી. ડેકોકને આ મેચમાં શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ૪૨ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી.

તે જ સમયે તેને મેન ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. ત્રણેય મેચમાં, તેણે કુલ ૧૫૩ રન બનાવ્યા, જેમાં બે અણનમ અડધી સદી સામેલ છે. તમને જણાવી દઈએ કે પહેલા બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટીમની પ્રથમ વિકેટ ૧૮ રનના સ્કોર પર પડી હતી. અવિષ્કા ફર્નાન્ડો ૧૨ રન બનાવી આઉટ થયો હતો. કુસલ પરેરા (૩૯) અને ચમિકા કરુણારત્ને (૨૪*) સિવાય કોઈ પણ બેટ્‌સમેન શ્રીલંકાની ટીમ માટે ૨૦ થી વધુ રનનો સ્પર્શ કરી શક્યો ન હતો. પાંચ બેટ્‌સમેન બે આંકડાને પણ સ્પર્શી શક્યા નથી.