અંબાજી-

કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ સજોડે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં. આ પ્રસંગે અધ્યક્ષએ મિડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આજે મને ખુબ ખુશી છે કે મા અંબાના આશીર્વાદથી વિધાનસભાના અધ્યક્ષની ખુબ મોટી જવાબદારી મળી છે. જયાં લોકોની સુખ- સુવિધામાં વધારો કરવા તથા તેમના કલ્યાણ માટેના કાયદાઓ બને છે. તેમણે કહ્યું કે આજે મા અંબાના દર્શન કરી મા ને પ્રાથના કરી છે કે, દેશના તમામ લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ-સમૃધ્ધિ પથરાય. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારા પર વિ‍શ્વાસ મુકી વિધાનસભા ગૃહની આટલી મોટી જવાબદારી સોંપી છે ત્યારે માતાજી લોકોના કલ્યાણ માટેના કામ કરવાની મને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે કોરોનાના થર્ડ વેવની ચર્ચા ચાલી રહી છે ત્યારે થર્ડ વેવ આવે જ નહીં તથા મા જગદંબાના આશીર્વાદ આપણા રાજય અને દેશ પર સતત વરસતા રહે અને આપણું રાજ્ય સતત વિકાસના નવા આયામો સર કરે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી છે.

 અધ્યક્ષએ કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે હું ૧૯૯૦ થી સતત કાર્ય કરુ છુ. મહિલાઓની સુરક્ષા- સલામતી અને સર્વાગી વિકાસ માટે રાજયમાં ૧૫૦ થી વધુ યોજનાઓ અમલી બનાવાઇ છે. સંકટના સમયમાં મહિલાઓને સુરક્ષા પુરી પાડવા ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન કાર્યરત છે. તેમણે કહ્યું કે આજે મહિલાઓએ તમામ ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કરી પુરૂષ સમોવડી બની છે. પોલીસ ભરતીમાં ૩૩ ટકા મહિલાઓ માટે અનામતના લીધે રાજ્યમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. આ પ્રસંગે દાંતાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડીએ માતાજીની મૂર્તિ અને શાલથી તથા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે. ચાવડાએ માતાજીનો ખેસ પહેરાવી અધ્યક્ષશ્રીનું સ્વાગત-સન્માન કર્યું હતું.

ભાવેશભાઈ આચાર્ય, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રેખાબેન ખાણેશા, અગ્રણીઓ સર્વ હિતેશભાઈ ચૌધરી, શ્રી સાગરભાઇ ચૌધરી, શ્રી ગોવિંદભાઈ ચૌધરી, શ્રી રાજુભાઇ ડાભી, પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, મદદનીશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિત અધિકારીઓ અને આગેવાનો સહીત ઈન્ડીય રેડક્રોસ સોસાયટી દાંતતાલુકા બ્રાન્ચ ના અધ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં