વડોદરા, તા.૩૦

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે થનગનતા શોખીનો ઉપર નકેલ કસવા માટે શહેર પોલીસતંત્રે ખાસ આયોજન હાથ ધર્યું છે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને રાત્રિ કરફયૂનો ચુસ્ત અમલ કરાવવા ઉપરાંત વાહન ચેકિંગ અને બ્રેથ એનેલાઈઝરના ઉપયોગથી પીધેલાઓને પકડવાનું અભિયાન ચાર દિવસથી પોલીસ ચલાવી રહી છે. ત્યારે મહિલા અને યુવતીઓની પજવણી કરતા રોમિયોને થર્ટી ફર્સ્ટ દરમિયાન ઝડપી પાડવા માટે શી ટીમને સાદાવેશમાં તહૈનાત કરવામાં આવશે.

વિદાય લેતા ૨૦૨૧ના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરને બાય... બાય... કરવા અને હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા ઓમિક્રોન વેરિએન્ટને લઇને આવી રહેલા ન્યુ યર ૨૦૨૨ને આવકારવા માટે સજ્જ છે. પરંતુ છેલ્લા ૧૫ દિવસ દરમિયાન વડોદરા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં વધી રહેલા કોરોના અને ઓમિક્રોન વેરિઅન્ટના કેસોને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા કરફયૂ જેવા કડક પગલાં ભરવાની શરૂઆત કરાઈ છે. શહેરમાં વર્ષના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બર-થર્ટી ફર્સ્ટની રાતને રંગચંગે ઉજવવા માટે ખાસ કરીને સયાજીગંજ ડેરીડેન સર્કલ, ફતેગંજ મેઇન રોડ, શોપિંગ મોલો જેવા સ્થળો ઉપર મોટી સંખ્યામાં એકત્ર થતા હોય છે, ત્યારે કોરોનાના કારણે રાત્રે ૧૧ વાગ્યાથી શરૂ થતાં કરફયૂ પછી લોકો ભેગા ન થાય તે માટે પોલીસતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તે જ રીતે જિલ્લાની હદમાં આવેલા ફાર્મ હાઉસોમાં પણ થર્ટી ફર્સ્ટની પાર્ટીઓનું આયોજન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા માટે જિલ્લા પોલીસતંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. વર્ધીધારી પોલીસ સાથે શી ટીમ પણ સિવિલ ડ્રેસમાં જાેડાશે. પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતી વ્યક્તિઓના બ્રીથ એનેલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવશે અને જે લોકો પકડાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સિવિલ ડ્રેસમાં રહેનાર શી ટીમ દ્વારા પણ રોડ રોમિયો ઉપર બાજનજર રાખશે અને જે લોકો રોમિયોગીરી કરતાં કાર્યવાહી કરાશે. પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બર અને રાત્રિ કરફયૂને ધ્યાનમાં રાખી નાઇટ પેટ્રોલિંગ સઘન કરાયું છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ નાઈટ પેટ્રોલિંગ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે અને હિસ્ટ્રીશીટરોના મકાનોની તપાસ કરવાની સાથે વાહનચાલકોની ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસને આ કામગીરી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, ચીજવસ્તુઓ પણ મળી રહી છે. ખાસ કરીને બ્રીથ એનેલાઇઝર વડે વાહનચાલકોની ચકાસણી કરાતાં નશાખોરો પણ ઝડપાઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ પોલીસે માંડવી, તરસાલી સહિતના વિસ્તારોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન બહાર જતા અને શહેરમાં પ્રવેશતા વાહનો આ અંગે પણ પોલીસે તકેદારી રાખી ચેકિંગ કામગીરી કરી હતી.