લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, માર્ચ 2026 |
2178
ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન ઈઝરાયલની સાથે સાથે અમેરિકાના મિત્ર રાષ્ટ્રો ગણાતા ગલ્ફ દેશો પર હુમલા કરી રહ્યું છે. સૈન્ય ઠેકાણાની સાથે સાથે ઓઈલ અને ગેસના પ્લાન્ટ પર પણ હુમલા થઈ રહ્યા છે. એવામાં ભારતના પડોશી દેશ શ્રીલંકાના પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે.
શ્રીલંકાના પ્રમુખનો દાવો છે કે અમેરિકાએ બે વખત પોતાના ફાઈટર જેટ ત્યાં લેન્ડ કરવાની મંજૂરી માંગી હતી, જાેકે તેમણે સ્પષ્ટ ઈનકાર કરી દીધો. પ્રમુખ અનુરા કુમારા દિસનાયકેએ શુક્રવારે સંસદમાં આ વાતની જાહેરાત કરી. દિસનાયકેએ કહ્યું કે, જિબૂતીથી અમેરિકાના બે યુદ્ધ વિમાનોએ ૪ અને ૮ માર્ચના રોજ શ્રીલંકાના એરપોર્ટ પર લેન્ડ કરવાની મંજૂરી માંગી હતી, પરંતુ અમેરિકાના આ બંને અનુરોધનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. શ્રીલંકાના પ્રમુખે કહ્યું, અનેક દબાણો હોવા છતાં અમે અમારી તટસ્થતા જાળવી રાખવા માંગીએ છીએ. અમે ઝૂકીશું નહીં. મિડલ ઈસ્ટનું યુદ્ધ પડકારો ઉભા કરે છે, પરંતુ તટસ્થ રહેવા માટે અમે દરેક શક્ય પ્રયાસ કરીશું.તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા જિબૂતીના એક બેઝ પરથી આઠ એન્ટી-શિપ મિસાઈલોથી સજ્જ બે ફાઈટર જેટ મટ્ટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવા માંગતુ હતું.