આજથી શહેર સ્વચ્છતા અભિયાન શરૂ

આજથી શહેર સ્વચ્છતા અભિયાન શરૂ

વડોદરા, તા.૧૪

વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૭૦માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તા.૧૫ થી ૨૦ સપ્ટેમ્બર દરમ્યાન નર્મદા મંત્રીના સાનિધ્યમાં બારે વોર્ડમાં સેવા સપ્તાહની ઉજવણી કરાશે. જેમાં શહેરના તમામે તમામ ૧૨ વોર્ડના વિસ્તારોમાં સધન સફાઇ ઝુંબેશ હાથ ધરાશે. આ અંગે લોકસત્તા સાથેની વાતચીતમાં નર્મદા મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આ દરમિયાન ૧૮ સપ્ટેમ્બરથી સ્વચ્છતા ન જાળવનાર સામે દંડકીય કાર્યવાહી હાથ ધરાશે. જેમાં ૧૦૦ રૂપિયાથી લઈને ૧૫૦૦ રૂપિયા સુધીનો દંડ કરવા ઉપરાંત રસ્તા વચ્ચે કે અડચણરૂપ અથવા સરકારી જમીનમાં નાખેલ રેતી,કપચી કે ઈંટો જેવો સામાન જપ્ત કરાશે. આ દિવસથી પ્રત્યેક વોર્ડના વોર્ડ ઓફિસર દ્વારા ત્રણ કલાકમાં દંડની ૧૦૦ રસીદો ફાડીને એની વિગતો ઉચ્ચ અધિકારીને આપવાની રહેશે. શહેરના બારે બાર વોર્ડની મળીને ૧૨૦૦ દંડની રસીદોની વિગતો પાલિકા કમિશ્નરને એજ દિવસે પહોંચાડવાની રહેશે. એવો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત નૂર્મના તમામ દબાણો દૂર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. નર્મદામંત્રી યોગેશ પટેલે આજે બોલાવેલી મિટિંગમાં મેયર ડૉ. જિગિષાબેન શેઠ, ડે. મેયર ડો. જીવરાજ ચૌહાણ, મ્યુનિ. કમિશનર સ્વરૂપ પી, સીટી ઈજનેર અને ડે.મ્યુનિ. કમિશનર(જ) હાજર રહ્યા હતા. આ મીટીંગમાં સેવા સપ્તાહ અંતગર્ત સફાઇ ઝુંબેશ કાર્યક્રમોના ભાગરૂપે તા.૧૫ સપ્ટેમ્બરને મંગળવારના રોજ સ્વચ્છ શાકભાજી માર્કેટ ઝુંબેશ, તા.૧૬ને બુધવારના રોજ સ્વચ્છ સ્લમ વિસ્તાર ઝુંબેશ, તા.૧૭ને ગુરૂવારના રોજ સ્વચ્છ હોસ્પીટલ, તા.૧૮મીને શુક્રવારના રોજ ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્‌સ/ઓવન સ્પોટ/ન્યુસન્સ સ્પોટ્‌ની સફાઇ તથા નાબુદીના પ્રયાસ સ્વચ્છ પડતર વિસ્તાર વગેરે કામગીરી કરવામાં આવશે. તા.૧૯મીને શનિવારના રોજ સ્વચ્છ ડિવાઇડરો, ફુટપાથ, ફ્લાય ઓવર બ્રિજ તથા જંગલ કટીંગ ઝુંબેશ તથા તા.૨૦મીને રવિવારના રોજ સ્વચ્છ નદી અને તળાવો સ્વચ્છ પાર્ક અને ગાર્ડન અભિયાનનું આયોજન છે. આ સમગ્ર ઝુંબેશમાં પાલિકાના ચારેય ઝોનના આસી. મ્યુનિ. કમિશનર, વહીવટી વોર્ડ નં-૧ થી ૧૨ના વોર્ડ ઓફીસર સાથે તમામ એન્જીનીયરીંગ વિભાગોના અધિકારીઓ પણ જરૂરી મશીનરી અને ઇક્વીપમેન્ટ સાથે અભિયાનમાં કાર્યરત રહેશે.

કોની સામે કેટલો દંડ વસૂલવામાં આવશે

પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૧૮ મીથી દંડકીય અભિયાન શરુ કરાનાર છે.ત્યારે આ અભિયાનમાં જે દંડની રકમ નક્કી કરવામાં આવી છે.એમાં દુકાનો પાસે કચરો પડેલો હોય તો એની ફોટોગ્રાફી કરીને રૂ.૨૦૦ દંડ સ્થળ પરજ વસૂલાશે.આજ પ્રમાણે લારી,ગલ્લાઓ પાસે પણ પાનપડીકી ખાઈને ગંદકી કરી હોય તો રૂ.૧૦૦, રેતી ,ઈટ,કપચીનું દબાણ કે સામાન હોય તો રૂ.૧૫૦૦ દંડ વસુલવાની સાથે માલસામાન ઉઠાવી લેવાનો ર્નિણય કરાયો છે. નોન યુઝ વાહનો માટે પોલીસ સાથે કાર્યવાહી પાલિકાના તમામ ૧૨ વોર્ડના વોર્ડ ઓફિસરોએ ત્રણ કલાકમાં વોર્ડ દીઠ ૧૦૦ રસીદો બનાવી ૧૨૦૦ રસીદોની માહિતી પ્રોપર ચેનલ કમિશ્નરને મોકલવાની રહેશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution