ગાંધીનગર-

આજથી પાંચ દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. આજે ત્રણ અલગ-અલગ વટહુકમ રજૂ કરાશે, જે બાદ ટૂંકી મુદતના પ્રશ્નો અને અગત્યની જાહેર બાબતો પર ચર્ચા થશે. આ સત્રમાં 24 જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે. પ્રથમ દિવસે પણ કોરોના રેપિડ ટેસ્ટિંગ કરવા માટે ટિમ તૈયાર રાખવામાં આવશે. જો કે સત્ર પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ બાકી રહેલા ધારાસભ્યો અને અધિકારીઓના પણ ટેસ્ટ કરવામાં આવશે. પ્રવેશ સમયે જ વિધાનસભામાં ધારાસભ્યો અને અધિકારીઓના તાપમાન માપવામાં આવશે. તેમજ ધારાસભ્યોની બેઠક વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકવામાં આવશે.

વિધાનસભામાં મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને 171 ધારાસભ્યો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મુખ્ય હોલામાં 92 ધારાસભ્યો અને પ્રેક્ષક ગેલેરીમાં 79 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગઠવવામાં આવી છે. આ વખતે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા ધારાસભ્યોએ ત્યાંથી જ રજુઆત કરવી પડશે. ચોમાસા સત્રના પ્રથમ દિવસે બે બેઠક મળશે. બપોર 12 વાગે મળનારી પ્રથમ બેઠકમાં શોક દર્શક ઉલ્લેખ લાવવામાં આવશે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા સહિતના 8 સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પ્રથમ બેઠકમાં 2 નામંજૂર કરતા વટહુકમ લાવવામાં આવશે. જ્યારે પ્રથમ બેઠકમાં 3 સરકારી વિધેયક લાવવામાં આવશે.