રાજ્યની જેલના કેદીઓ કરે છે એક કરોડનું ટર્નઓવર!
28, ડિસેમ્બર 2020 297   |  

નડિયાદ : ગુજરાતની જેલમાં કે સજા પામેલાં કેદીઓ દ્વારા વાર્ષિક એક કરોડનું ટર્નઓવર કરવામાં આવે છે, આ વિશે આજે રાજ્યના એડિશનલ ડીજીપી પ્રીઝન ડો.કે..એલ.એમ. રાવ દ્વારા નડિયાદ ખાતે જિલ્લા જેલમાં ગૌશાળાના ઉદ્‌ઘાટન પ્રસંગે જણાવવામાં આવ્યું હતું. કેદીઓમાં સ્કિલ અને ધંધા રોજગાર કરી શકે તે માટે ચલાવવામાં આવતાં તાલીમ કેન્દ્ર થકી રાજ્યના કેદીઓ એક કરોડનું ટર્નઓવર કરી રહ્યાં છે. 

ખેડા જિલ્લાના વડામથક ખાતે આવેલી જિલ્લા જેલમાં પણ કેદીઓ દ્વારા ઓર્ગેનિક ખેતી ઉપરાંત અન્ય પ્રકારના કાર્યો કરવામાં આવે છે, જેમાં આજે રાજ્યના એડિશનલ ડીજીપી ડો.કે.એલ.એમ. રાવ દ્વારા કેદીઓ પશુપાલનનો વ્યવસાય કરી આવક મેળવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની નેમને વ્યકત કરતાં રાવે જણાવ્યું હતું કે રાજ્યની ચાર મોટી જેલો અમદાવાદ, રાજકોટ વડોદરા સહિત જિલ્લા કક્ષાની અને સબ જેલોમાં પણ કેદીઓ માટે કાર્યો કરવામાં આવી રહ્યાં છે. જેનો વધુ વિસ્તાર પણ કરવામાં આવનાર છે. નડિયાદ ખાતે આવી પહોંચેલા ગુજરાત રાજ્યના એડિશનલ ડીજીપી ડો.કે.એલ.એમ. રાવનું જિલ્લા જેલ નડિયાદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એડિશનલ ડીજીપી ડો. રાવ દ્વારા ગૌશાળાને ખુલ્લી મૂકી હતી અને ગૌવંશની પૂજા અને ફુલહાર કર્યા હતા. એડિશનલ ડીજીપી ડો.રાવે જણાવ્યું હતું કે, રાજ્યની જેલમાં બંધ કેદીઓના જીવન સુધાર માટે ચલાવવામાં આવતાં વિવિધ કાર્યો થકી તેઓને મહેનતાણું ચુકવવામાં આવે છે. સ્કિલ ધરાવતાં કેદીઓને દૈનિક ૧૦૦ મહેનતાણું ચૂકવાય છે, જ્યારે સેમી સ્કિલને ૭૦ અને અનસ્કીલને ૬૦ રૂપિયા મહેનત પેટે ચુકવવામાં આવે છે, જેનાંથી તેનાં પરિવારની પણ મદદ અને લાભ મળે છે. જેલમાંથી મુક્ત થયાં બાદ ગુનેગારો સમાજમાં સન્માનનું જીવન જીવવા માટે ધંધો રોજગારી મેળવી શકે તેવાં સરકારના પ્રયત્નો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution