ચૂંટણી ટાણે જ રામોલમાંથી એક કરોડનો વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, એપ્રીલ 2026  |   2277

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામોલ ટોલ નાકા પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી છે. એક કરોડ રૂપિયાનો દારૂ ખેડાના બૂટલેગરોએ મગાવ્યો હતો. રાજસ્થાનના સપ્લાયરે પંજાબના પટિયાલાથી આ ટ્રકમાં વિદેશી દારૂની ૧૯,૮૪૮ બોટલો ભરાવી હતી. ટ્રક ગુજરાત બોર્ડરમાં પ્રવેશી છેક રામોલ પહોંચી ગયા બાદ ઝડપાઈ છે. હાલ પોલીસે ટ્રકના ડ્રાઇવરને ઝડપી લીધો છે. દારૂનો જથ્થો ખેડાના બૂટલેગરે મગાવ્યો હોવાનું ખૂલ્યું છે.

હાલ પોલીસે ખેડાના બૂટલેગર સહિત પાંચ લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. રિંગ રોડ પરના અને છેવાડાના પોલીસ મથકોની હદમાંથી દરરોજ દારૂ ભરેલા ટ્રક અને ટેન્કર બેરોકટોક પસાર થઈ રહ્યા છે ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલના મયૂર ચાવડાની ટીમને બાતમી મળી હતી કે દારૂ ભરેલી ટ્રક રામોલ ટોલ નાકા પાસેથી પસાર થઈ રહી છે. જેને પગલે જીસ્ઝ્રના આર.કે. કરમટા અને પી.પી. બ્રહ્મભટ્ટની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રામોલ ટોલ નાકા પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. તપાસ કરતાં ટ્રકમાંથી ૧.૦૬ કરોડના વિદેશી દારૂની ૧૯,૮૪૮ બોટલો મળી હતી. પોલીસે આ દારૂ અને ટ્રક મળી કુલ ૧.૩૪ કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો. ટ્રક ચાલક ચુનારામ ઉર્ફે સુનિલ (રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દારૂનો જથ્થો ખેડાના બૂટલેગરે મંગાવ્યો હતો અને રાજસ્થાનના બારમેરના સપ્લાયર દેદારામ જાટે પંજાબના પટીયાલાથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરાવી રવાના કર્યો હતો. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution