લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, એપ્રીલ 2026 |
1980
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસની ભૂમિકા પર વિપક્ષ સહિત અન્ય લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.જેને રાજ્યના પોલીસ વડા ડૉ. કે એલ એન રાવે ફગાવી દીધા છે. ડીજીપીએ જણાવ્યું હતું કે પોલીસ પર કરવામાં આવેલા રાજકીય આક્ષેપો અસ્વીકાર્ય છે.પોલીસ વડાએ સ્પષ્ટતા કરી હતી કે જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી સામે ફરિયાદ આવી હતી, તેની તપાસ કરીને રિપોર્ટ ચૂંટણી પંચને સોંપવામાં આવ્યો છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીમાં ૪૯,૦૦૦થી વધુ પોલીસ અધિકારી કર્મચારી અને સીઆરપીએફની ટીમ તૈનાત રહેશે. રાજ્યમાં જ્યાં ચૂંટણી યોજાશે, તે વિસ્તારોમાં અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથકો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય સ્ટાફ માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.પોલીસ તંત્રએ જણાવ્યું કે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.પોલીસ વડાએ રાજ્યની પ્રજાને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવાની અપીલ કરી છે. પ્રજાએ શાંતિપૂર્ણ રીતે મતદાન કરવું જાેઈએ પોલીસ વડાએ જણાવ્યું હતું. ચૂંટણી દરમિયાન ૧ હજારથી વધુ કેસ તડીપાર, ભાગેડુ કેદી સહિતના નોંધાયા છે.રાજ્યભરમાં ૨૯ હજાર બિલ્ડિંગમાં મતદાન યોજાશે.અતિસંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧,૨૫૧ છે, જ્યારે સંવેદનશીલ મતદાન મથકો ૭,૧૬૬ છે. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.