મુંબઈ-

શેરબજારમાં આજે ઉઘડતામાં ગભરાટભરી વેચવાલી હતી. કોરોનાથી અર્થતંત્રને ફટકો પડવાની આશંકા, ફરી લોકડાઉનના ભણકારા તથા વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો અપેક્ષિત દેખાવ ન રહેવાના કારણોથી માનસ ખરડાયુ હતું. બેંકોની આગેવાનીમાં હેવીવેઈટ શેરો પટકાવા લાગ્યા હતા. જો કે, ગભરાટ વધુ વખત ચાલ્યો ન હતો. નીચા ભાવે પસંદગીના ધોરણે લેવાલીથી રિકવરી આવવા લાગી હતી. અંતિમ તબકકામાં માર્કેટ ગ્રીનઝોનમાં આવી ગયુ હતું. એકંદરે ટ્રેન્ડ મીશ્ર હતો. બેંક શેરો દબાણમાં હતા પરંતુ મેટલ ઓટો જેવા શેરોમાં ઉછાળો હતો. કોર્પોરેટ ક્ષેત્રના પ્રોત્સાહક પરિણામોની સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટની પકકડ મોટા ઓપરેટરો-તેજી ગ્રુપના હાથમાં હોવાથી દરેક આંચકા પચાવાય રહ્યા છે. આજે હિન્દ લીવર, ડો. રેડ્ડી, અદાણી પોર્ટ, ભારતી એરટેલ, ટીસ્કો, બજાજ ફાઈનાન્સ, સેઈલ, ટાટા મેયાલીક, ઈન્ફોસીસ, મારૂતી, નેસલે જેવા શેરોમાં સુધારો હતો. ટાઈટન, ઈન્ડુસઈન્ડ બેંક, એકસીસ બેંક, રીલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, સ્ટેટ બેંક વગેરેમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 47 પોઈન્ટના સુધારાથી 48830 હતો તે ઉંચામાં 48863 તથા નીચામાં 48028 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 33 પોઈન્ટના સુધારાથી 14664 સાંપડયો હતો તે ઉંચામાં 14673 તથા નીચામાં 14416 હતો.