લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, ફેબ્રુઆરી 2026 |
2673
અમદાવાદ, ગુજરાત વિધાનસભાએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેતીની જમીનોના ગેરકાયદેસર વેચાણ અને તબદીલીને રોકવા માટે મહત્વપૂર્ણ વિધેયક પસાર કર્યું છે.આ વિધેયક સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહિવટ પતાવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૯માં સુધારા સૂચવે છે. આ સુધારાથી બિનખેડૂત વ્યક્તિઓ અથવા સંસ્થાઓને વેચાયેલી જમીન માત્ર ત્રણ મહિનામાં મૂળ ખેડૂતને પરત મળી શકશે અથવા સરકાર તેને પોતાના કબજામાં લઈ શકશે. આ કાયદાનો અમલ ૫ ડિસેમ્બર, ૨૦૧૫થી પાછલી અસરથી થશે. આ વિધેયકમાં કલમ-૭૫ અને ૭૫છમાં સુધારા કરવામાં આવ્યા છે, જેમાં જાે ખેતીની જમીન બિનખેડૂત વ્યક્તિ, ગેરકાયદેસર કબ્જેદાર અથવા ઉદ્યોગોને વેચાઈ હોય, તો જિલ્લા કલેક્ટર સ્વમેળે અથવા હિતસંબંધ ધરાવતી વ્યક્તિની અરજીના આધારે તપાસ કરી શકશે. આ સિવાય તબદીલી ગેરકાયદેસર જણાય તો કલેક્ટર ત્રણ મહિનાની અંદર જમીન વેચનારને પરત કરવાનો આદેશ આપશે. જાે પરત ન કરાય તો જમીન તમામ બોજા વિના સરકારમાં નિહિત થશે અને તેને પડતર જમીન તરીકે વાપરી શકાશે.ગેરકાયદેસર ભોગવટો ધરાવતી વ્યક્તિ અથવા સંસ્થાને પ્રવર્તમાન જંત્રી કિંમતની ત્રણ ગણી (૩૦૦ ટકા) રકમનો દંડ વસૂલાશે. આ દંડ એક મહિનામાં ભરવાનો રહેશે.જાે જમીનમાં બિનખેતી અથવા કલમ-૫૪નો ભંગ થયો હોય, તો સરકાર જમીનને પોતાના હસ્તક લઈ શકશે અને તેનો ઉપયોગ શાળા, હોસ્પિટલ, રસ્તા જેવા જાહેર હિતના કાર્યો માટે કરી શકશે. આ સુધારા દ્વારા રાજ્યમાં ગણોત વહિવટ અને જમીન કાયદાઓમાં એકસૂત્રતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે, “કોર્ટ કેસ અને મહેસૂલી લિટિગેશનને કારણે કાયદાની કલમ-૭૫માં સુધારાની જરૂર જણાઈ છે.ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અલગ-અલગ કાયદા હતા, જેમાંથી સૌરાષ્ટ્રના કાયદાને સુધારવું બાકી હતું.”વિધાનસભામાં વિધેયક પર ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આ વિધેયકને ચોક્કસ ઉદ્યોગોના લાભ માટે લાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ સુધારા ઉદ્યોગોને મદદ કરવા માટે છે.” જવાબમાં મંત્રી મહિડાએ બચાવ કરતાં કહ્યું કે, આ વિધેયક કાયદાઓમાં એકરૂપતા લાવવા માટે છે અને ખેડૂતોના હિતને સુરક્ષિત કરશે.વિપક્ષી ધારાસભ્યોએ ૧૯૪૯ના કાયદા હેઠળ કેટલી જમીનોમાં બિનખેડૂતને તબદીલી થઈ છે તેની વિગતો અને આંકડાકીય માહિતી જાહેર કરવાની માંગ કરી હતી. જાેકે, મંત્રીએ આ અંગે કોઈ વિગતો આપી નહીં.ચર્ચાના અંતે વિધેયક બહુમતીના જાેરે પસાર થયું છે. રાજ્યપાલની મંજૂરી બાદ તેનો અમલ થશે.