ગુજરાતની 6 મેડિકલ કોલેજોના અધ્યાપક અને સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની હડતાળ

અમદાવાદ-

રાજ્યમાં એક બાજુ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો બીજી બાજુ તબીબી શિક્ષકો અને નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે. તેમની પડતર માગોને મેડિકલ એસોસિએશનની હડતાલની રજૂઆતને સરકારે ગંભીરતાથી ન લેતા હાલમાં દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

રાજ્યની 6 મેડિકલ કોલેજોના 1700 અધ્યાપક અને સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે. અમદાવાદના સિવિલ કેમ્પસમાં નર્સિંગ એસોસિએશન દ્વારા સતત બીજા દિવસે વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો. માગ નહિ સંતોષાય તો હડતાલ કરવાની પણ અગાઉના માસમાં રજૂઆત સમયે ચિમકી આપી હતી. ત્યારે સરકારની ઢીલી નિતીને પગલે દર્દીઓ મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. ડોકટરોની હડતાળ વચ્ચે જુનિયર ડોકટર એસોસિયેશને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલના રાજીનામાની માંગ કરી છે. જુનિયર ડોકટર એસોસિયેશને ટ્વિટ કરી રાજીનામું માગ્યુ છે. તમામ ડોકટર, નર્સો અને અન્ય સ્ટાફ હડતાળ ઉપર છે. તો બીજી તરફ સરકારની નીતિના કારણે લેબ ટેકનીશિયનથી લઇ અન્ય સ્ટાફ પણ નારાજ છે. જેથી નિતિન પટેલના રાજીનામાની માગ કરવામાં આવી છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution