વડોદરા : આજવા રોડ ખાતે આવેલી અમેરિકન સ્કુલ ઓફ બરોડા દ્વારા ચાલુ વર્ષે ફી માં ૧૦% જેટલો વધારો કરી દેતા અને ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ અટકાવી દેતા વાલીઓ દ્વારા આજે ડી.ઈ.ઓ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. કોરોનાને કારણે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શાળા સંચાલકોને ફી વધારો ન કરવાની સૂચના આપી છે. તેમ છતાં શહેરના આજવા રોડ પર આવેલી અમેરિકન સ્કુલ ઓફ બરોડાએ સરકારના આદેશોની અવગણના કરીને ચાલુ વર્ષે ફી માં ૧૦% જેટલો વધારો કરી દીધો છે. વાલીઓ દ્વારા આ અંગે ૪થી ઓગષ્ટના રોજ સ્કુલ મેનેજમેન્ટને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં તેમને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત સ્કુલ દ્વારા નક્કી કરાયેલી ફી ન ભરનાર વિદ્યાર્થીઓના ૨૦મી ઑગષ્ટથી ઓનલાઇન ક્લાસીસ પણ બંધ કરી દેવાયા હતા. સ્કુલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓના પ્રશ્નો અને રજૂઆતોને વાચા ન અપાતી હોવાથી આજે અમેરિકન સ્કુલ ઓફ બરોડાના સંખ્યાબંધ વાલીઓ ડી.ઈ.ઓ કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યા રજૂઆત કરીને સ્કુલ દ્વારા કરવામાં આવેલો ફી વધારો પાછો ખેંચવા, સ્કુલ દ્વારા માત્ર ટ્યુશન ફી જ લેવામાં આવે અને ફી ભરવામાં મોડું થાય તો બાળકોના ક્લાસીસ બંધ ન થાય તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી અને જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.