લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, એપ્રીલ 2026 |
3069
દેશની હૉસ્પિટલોમાં આઇસીયુ એકમોની સ્થિતિ સુધારવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આઇસીયુ માટે નક્કી કરેલા લઘુતમ ધોરણોને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે પ્રેક્ટિકલ એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આઇસીયુ સેવાઓ માટેના માર્ગદર્શિકા તૈયાર છે, જે વ્યવહારુ અને અનિવાર્ય છે. હવે દરેક રાજ્યના આરોગ્ય સચિવે એક સપ્તાહની અંદર નિષ્ણાતો સાથે બેઠક યોજીને તેને જમીની સ્તરે લાગુ કરવાની યોજના બનાવવી પડશે. સુપ્રીમ કોર્ટે આ એક્શન પ્લાનમાં મુખ્ય પાંચ બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે. પૂરતી સંખ્યામાં તબીબી સ્ટાફની ઉપલબ્ધતા. માત્ર સ્ટાફ નહીં, પણ આઇસીયુ માટે સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલા કર્મચારીઓ. સારવાર માટે જરૂરી તમામ ઇક્વિપમેન્ટ્સની વ્યવસ્થા. દવાઓ અને અન્ય પાયાની સામગ્રીનો પુરવઠો. આઇસીયુ વોર્ડની યોગ્ય ડિઝાઈન અને સુવિધા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ડૉક્ટરો તો માત્ર વિઝિટ પર આવે છે, નર્સિંગ સ્ટાફ ૨૪ કલાક દર્દીની સાથે હોય છે. તેથી તેમને આઇસીયુ મેનેજમેન્ટની વિશેષ તાલીમ આપવી અનિવાર્ય છે.