સુરત-

સુરતની એક બેંકમાં નોકરી કરતા મેનેજરે પોતાના ઘરના ધાબા પર જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા તેઓ પર આભ તૂટી પડ્યું હતું. પરિવારના સભ્યોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને ઘટના સ્થળની તપાસ દરમિયાન એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી.

મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં કેનેરા બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતો પાર્થ મોદી નામનો યુવક પરિવારમાં માતા-પિતા અને બહેનની સાથે રહેતો હતો. પાર્થે કોઈ કારણોસર પોતાના ઘરના ધાબા પર જઈને દોરી વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું. પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ વહેલી સવાર 4 વાગ્યે થઇ હતી. પાર્થે આપઘાત કરતા માતા-પિતા અને બહેન પર આભ તૂટી પડ્યું હતું. પાર્થે આપઘાત કર્યો હોવાની જાણ થતા જ પરિવારના સભ્યોએ પોલીસને માહિતી આપી હતી.