સુરત-

સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ સોનાલીયાની કારમાં દારૂની હેરાફેરી થતા પોલીસે કાર્યવાહી કરી છે. બુટલેગરે દારૂની હેરાફેરી માટે પૂર્વ કોર્પોરેટર અનિલ સોનાલીયાના પુત્ર ચિરાગ પાસેથી કાર લીધી હતી.અંગત કામ માટે કાર ની જરૂર છે તેમ કહી બુટલેગર કાર લઈ ગયો હતો. અડાજણ પોલીસે મર્સિડિઝ કાર કબજે કરી 28 હજાર નો દારૂ જપ્ત કર્યો છે. પૂર્વ કોર્પોરેટરનો પુત્ર ચિરાગ અને બુટલેગર રાકેશના મોબાઈલ કોલની ડિટેલ પણ તપાસવામાં આવી રહી છે.

સુરતના અડાજણમાં પોલીસે દારૂ ભરેલી મર્સિડીઝ કાર કબજે કરી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મર્સિડીઝ કાર પર ભારતીય જનતા પાર્ટી લખેલું છે. અડાજણ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર અડાજણ પોલીસ સ્ટેશનના જમાદાર સમીર નટવરલાલને માહિતી મળી હતી કે પાલનપુર નહેર પર રોયલ ટાઈટેનીયમ બિલ્ડિંગની નીચે એક મર્સિડીઝ કારમાં દારૂ છે. તેથી પોલીસે સ્થળ પર જઈને કારની તલાશી લેતા કારમાંથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 48 બાટલીઓ મળી આ‌વી હતી. તેની કિંમત 28800 રૂપિયા થાય છે. પોલીસે કાર સાથે આરોપી રાકેશ હીરાભાઈ ચૌહાણ ઝડપાઈ ગયો હતો. પોલીસે દારૂ અને 15 લાખ રૂપિયાની કિંમતની કાર કબજે કરી હતી. કાર પર ભારતીય જનતા પાર્ટી લખ્યું હતું. આ દારૂ ભરત ઉર્ફ બોબડાએ આપ્યો હતો. તેથી પોલીસે રાકેશ અને ભરત વિરુદ્ધ ગુનો દાખલ કરીને ભરતને વાન્ટેડ બતાવ્યો છે. આ કાર રાકેશના મિત્ર ચિરાગ સોનાલીયાની છે.