ગુજરાતના જીડીપીમાં ૨૫ ટકા ફાળો એકલા સુરતનો, હજુ વધીને ૩૫ ટકા થશે: મુખ્યમંત્રી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, મે 2026  |   2673

આજે ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની સાથે સુરતમાં આજથી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સને રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશ વિદેશનાં કોન્સ્યુલેટ અધિકારીઓ, એમ્બેસેડર્સ, ઉદ્યોગપતિઓ, રોકાણકારોને સંબોધતા કહ્યું કે ગુજરાતનાં જીડીપીમાં એકલા સુરતનો હિસ્સો ૨૫ ટકા છે અને આગામી વર્ષોમાં એ વધીને ૩૫ ટકા થવાનો છે. તેમણે દક્ષિણ ગુજરાતમાં આવી રહેલા નવા પ્રોજેક્ટસ તેમજ રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી નીતિઓથી લોકોને માહિતગાર કર્યા હતા.

સુરત નજીક ઇચ્છાપોર ખાતે આવેલી પ્રાઇવેટ યુનિવર્સિટી, ઑરો યુનિવર્સિટીનાં પટાંગણમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં જુદા જુદા ૩ ડોમમાં ઉદ્યોગ સમૂહો, સ્ટાર્ટઅપ્સથી લઇને એગ્રો પ્રોડેક્ટસ સુધીના ઉદ્યોગ સાહસિકો પોતાની ચીજવસ્તુઓ, સર્વિસીઝ અને પ્રોડક્ટ્સને ડિસ્પ્લે કરી રહ્યા છે. કોન્ફરન્સનાં ઉદઘાટન સમારોહમાં ૧૦થી વધુ દેશોનાં એમ્બેસેડર્સ, કોન્સ્યુલેટ અધિકારીઓ, હાઇકમિશનર્સ, કેન્દ્ર સરકારનાં મંત્રીઓ, ગુજરાત સરકારનાં મંત્રીઓ, દેશના નામી અનામી ઉદ્યોગપતિઓથી લઇને રાજ્યના લગભગ દરેક ડિપાર્ટમેન્ટનાં સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહને સંબોધતા રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રોજેક્ટસ કે જેઓ દુનિયાભરમાં જાણીતા છે તેની ઝાંખી આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી અલગ થઇને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે એવું કહેવાતું હતું કે રણ, દરિયો અને ડુંગરા ધરાવતો આ પ્રદેશ શું પ્રગતિ કરશે? પણ નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાતની પ્રગતિની ચર્ચા ચોમેર થવા માંડી. ગુજરાત આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ૨૦૪૭નાં વિકસિત ભારતનાં વડાપ્રધાને આપેલા ધ્યેયને પાર પાડવા રાજ્યનો દરેક જિલ્લો પોતાના આગવા પોટેન્શિયલ સાથે આગળ વધે તે માટે છ રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન ૨૦ જેટલા પ્રાયોરિટી સેક્ટર્સ સાથે તૈયાર થઈ રહ્યાં છે. તેમણે વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત ૨૦૪૭નો જે રોડમેપ રાજ્ય સરકારે તૈયાર કર્યો છે તેમાં અર્નિંગ વેલ, લિવિંગ વેલનાં ધ્યેય સાથે ૨૦૪૭નું ગુજરાત કેવું હશે તેના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે તેની વિગતો આપતાં કહ્યું કે, સેમિકન્ડકટર, ઈ.વી. ગ્રીન હાઈડ્રોજન, એ.આઈ. જેવી ફ્યુચરિસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ બંન્ને વધારવા છે. મુખ્યમંત્રીએ વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા દક્ષિણ ગુજરાતની આ ફય્ઇઝ્રમાં સહભાગી થઈ રહેલા ઉદ્યોગ-વેપાર જગતનાં અગ્રણીઓને આહવાન કર્યું હતું.

સિંગાપોરમાં વેચાતો દર ચોથો હીરો અને ડેનિમ જીન્સ સુરતમાં બનેલાં હોય છે: સિંગાપોરનાં હાઇ કમિશનર

આજે સુરતમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સને સંબોધતા સિંગાપોરનાં હાઇકમિશનર સાઇમન વોંગનું વક્તવ્ય સાંભળીને સુરતવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા. સિંગાપોરનાં હાઈ કમિશનર સાઈમન વોંગએ ‘જય શ્રી કૃષ્ણ’ સાથે સૌનું અભિવાદન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ મહાન છે જ્યારે રિજિયોનલ કોન્ફરન્સનાં દિવસે અન્ય ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ પણ જાેડાઈ છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે, આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે અને વિશ્વમાં લેબર ડેની પણ ઉજવણી થાય છે.

સાઇમન વોંગએ કહ્યું કે સિંગાપોર અને ગુજરાત વચ્ચે બહુ જૂનો નાતો છે, તેમણે કહ્યું કે સિંગાપોરવાસીઓ જે ડેનિમ જીન્સ પહેરે છે તેમાં દર ચારમાંથી ૧ ડેનિમ જીન્સ ફેબ્રિક સુરતમાં ઉત્પાદિત થયેલું હોય છે. એથી આગળ વધતા તેમણે કહ્યું કે સુરતમાં કટ એન્ડ પોલિશ્ડ થયેલા હીરાની સિંગાપોરમાં કુલ નિકાસ ૧૦૦ મિલિયન ડોલર જેટલી જંગી પ્રમાણમાં નોંધાય છે. સિંગાપોરમાં વેચાતા કટ એન્ડ પોલિશ્ડ નેચરલ અને રફ ડાયમંડ્સમાં દર ચોથો હીરો સુરતમાં ઘડાયેલો હોય છે. તેમણે ઉમેર્યું કે ભારતથી સિંગાપોરમાં થતી તમામ પ્રકારની કુલ આયાતમાં એકલા ગુજરાતનો ફાળો ૫૦ ટકા જેટલો જંગી છે. ગુજરાતથી પેટ્રોકેમિકલ્સ, જ્વેલરી, ટેક્સ્ટાઇલ્સ, ફાર્માસ્યુટીકલ્સ અને નવી મશીનરીઓ વિપુલ પ્રમાણમાં સિંગાપોરમાં આયાત થઇ રહી છે. આ સાથે જ તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે છેલ્લા ૧૨થી વધુ વર્ષોથી ભારતમાં સૌથી વધુ મૂડીરોકાણ કરતો કોઇ દેશ હોય તો એ સિંગાપોર છે. સિંગાપોરે ગયા વર્ષે ભારતમાં કુલ ૧૫ બિલિનય અમેરિકી ડોલર જેટલું મૂડીરોકાણ કર્યું છે અને છેલ્લા ૧૪ વર્ષમાં સિંગાપોર ભારતમાં કુલ ૧૭૯ બિલિયન અમેરિકન ડોલર જેટલું મૂડીરોકાણ કરી ચૂક્યું છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution