સુરત-

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે શહેરના વોર્ડ ક્રમાંક 9માં આવેલા મોરાભાગળ વિસ્તારમાં સ્થિત દુર્ગાપૂરી સોસાયટીના સ્થાનિક પ્રશ્નોનો વર્ષોથી શાસક પક્ષ અને તંત્ર દ્વારા નિકાલ ન થતા સોસાયટી ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોએ રોષે ભરાઈને તમામ રાજકીય પક્ષોને આ સોસાયટીમાં મત માંગવા ન આવવાની તાકીદ કરતા બેનરો લગાડી દીધા છે.

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમ બન્યો છે.એવા સમયે લોકપ્રતિનિધિઓની નિષ્ક્રિયતાના કારણે નાગરિકોની સમસ્યાઓનું નિવારણ ન થતા તેઓનો રોષ હવે સામે આવી રહ્યો છે.સુરત શહેરના વોર્ડ ક્રમાંક 9માં આવેલા મોરાભાગળ વિસ્તારમાં સ્થિત દુર્ગાપૂરી સોસાયટી વર્ષ 1995માં બની છે.આ સોસાયટીના રસ્તાઓ તેમજ દર વર્ષે અહીં ભરાતા વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે સોસાયટી ધારકો દ્વારા અનેક વાર જે તે સમયના શાસક પક્ષો અને મનપાના તંત્રને રજુઆત કરી છે પણ, આટલા વર્ષો બાદ પણ તેઓની સમસ્યાનું નિવારણ થયું નથી.પ્રતિ વર્ષ આ સોસાયટીમાં ચોમાસા દરમિયાન એક ફૂટ જેટલું પાણી ભરાય છે અને સ્થાનિકોને તેમાંથી પસાર થવું પડે છે.ત્યારે, હવે તમામ પક્ષોની આ બેજવાદારીને ધ્યાનમાં લઈને સોસાયટીમાં કોઈ પણ પક્ષના લોકોએ મત માંગવા ન આવવાના બેનરો બાંધી સોસાયટી ધારકોએ તેમનો રોષ પ્રગટ કર્યો છે. આપણે ત્યાં ચૂંટણી સમયે જ રાજકીય અગ્રણીઓને નાગરિકો યાદ આવે છે.આખી ટર્મ પુરી થઇ જાય ત્યાં સુધી લોકોની સમસ્યા તેમની યાદ આવતી નથી.ત્યારે, મનપાની ચૂંટણી પૂર્વે દુર્ગાપૂરી સોસાયટી જેવો જ લોકરોષ અન્ય વિસ્તારોમાં પણ જોવા મળે તો નવાઈ નહીં.હવે એ જોવું રહ્યું કે આ સોસાયટીની સમસ્યાના નિવારણ અંગે આ વખતે કયો પક્ષ શું કરે છે ? વાસ્તવમાં નિવારણ કરશે કે પછી ફરી કોઈ પ્રલોભન આપીને મતો મેળવશે ?