સુરત-

સમગ્ર રાજ્યમાં થોડા દિવસ પૂર્વે પ્રદેશ ભાજપ દ્વારા શહેર-જિલ્લાના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી.આ નવ નિયુક્ત પ્રમુખો દ્વારા હવે તેમના શહેર-જિલ્લાની ઘોષણા કરવામાં આવી રહી છે. ત્યારે ગુરુવારે સાંજે સુરત શહેરના નવનિયુક્ત પ્રમુખ અને પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરાએ સુરત શહેર બીજેપીની નવી ટીમની ઘોષણા કરી હતી. આ ટીમમાં 3 મહામંત્રી, 7 ઉપપ્રમુખ અને 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની ઘોષણા કરવામાં આવી છે.આ નવા માળખાની જાહેરાતમાં નવનિયુક્ત પ્રમુખ ઝાંઝમેરા દ્વારા તમામ વિધાનસભા વિસ્તાર અને શહેરના લગભગ તમામ સમાજને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સંગઠનના જાહેર કરાયેલા આ માળખામાં 6 મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અતિ નજીક માનતા ઝાંઝમેરાએ તેના જાહેર કરેલા નવા માળખામાં મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સૌને ન્યાય મળે તેવો પ્રયાસ કર્યો છે અને જુના જોગીઓને જવાબદારી આપી સંગઠનમાં સૌને સક્રિય કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

શહેર પ્રમુખ ઝાંઝમેરાએ જાહેર કરેલા માળખામાં ચાર પાટીદાર સમાજના, એક ક્ષત્રિય સમાજ, એક અનાવિલ બ્રાહ્મણ, એક વૈષ્ણવ વણિક, એક રાણા, કોળી પટેલ, સુથાર, રાજપુત, મહારાષ્ટ્રીયન, બારોટ, માળી, એસ.સી., એસ.ટી., મોઢ વણિક અને અગ્રવાલ રાજસ્થાની સમાજને પ્રતિનિધિત્વ આપી મનપાની ચૂંટણી પૂર્વે રણનીતિ મુજબ આગળ વધવાનો સંકેત આપી દીધો છે.મહામંત્રી કિશોર બિંદલને રિપીટ કરાયા છે. પાંચ ટર્મ સ્થાયી સમિતિના અધ્યક્ષ રહેલા મુકેશ દલાલ અને મહામંત્રી રહી ચુકેલા લલીત વેકરીયાને પણ મહામંત્રી બનાવી જુના જોગીઓને ફરીથી સક્રિય કરવાનું પ્લાનિંગ કર્યું છે. આમ, મનપાની ચૂંટણી પૂર્વે સુરત શહેર બીજેપીનું નવું માળખું જાહેર કરીને નવનિયુક્ત પ્રમુખે ભાજપમાં જ રાજકીય ગરમાટો લાવી દીધો છે.આગામી દિવસોમાં મનપાની ચૂંટણી પૂર્વે નવા વોર્ડનું સીમાંકન પણ થવાની પુરેપુરી સંભાવના છે ત્યારે આ વખતે મનપાની ચૂંટણીમાં પણ ભારે રસાકસી થવી છે ત્યારે આ નિયુક્તિ રાજકીય વિશ્લેષકોના મતે સમયોચિત અને યોગ્ય માનવામાં આવી રહી છે.