આગામી નવરાત્રીને લઈ મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે. તાજેતરમાં રાંદેર અઠવાલાઇન્સ વિસ્તારમાં એક પરિવાર અને બિલ્ડીંગના લોકો સંક્રમિત થતાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો હાલમાં સંક્રમિત આવી રહ્યા છે તેમની હિસ્ટ્રીમાં ગણેશ ઉત્સવનું કારણ જોવા મળે છે. માનપાએ લીધેલા આ નિર્ણય બાદ નવરાત્રીમાં ગરબાના આયોજન કરનારાઓએ રસી મામલે ધ્યાન આપવું પડશે. ગરબા આયોજનમાં મનપા આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરશે. મનપાને આશા છે કે ગરબે રમવા માટે પણ બાકી રહી ગયેલા લોકો રસી લેશે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં નવરાત્રીને લઈને કેટલીક છૂટ આપવામાં આવી છે. આ વચ્ચે સુરતમાં કોરોનાના કેસને ધ્યાનમાં લઈને SMC એ મોટો નિર્ણય કર્યો છે. તેમજ તમને જણાવી દઈએ કે સુરત અઠવામાં સીલ કરાયેલ મેઘ મયુર અને આવિષ્કારમાં વધુ ત્રણ કેસ કોરોનાના આવ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે 3 બાળકોને પોઝિટિવ કેસ આવ્યા છે. અગાઉ મેઘમયુરમાં એક સાથે 9 લોકોને પોઝિટિવ કેસ આવ્યા હતા. ક્લસ્ટર કરાયેલા વિસ્તારમાં કોન્ટેક્ટ ટ્રેસિંગના બાળકો પોઝિટિવ મળ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.