સુરતમાં મિત્રએ જ મિત્રનું માથું કાપી કચરામાં નાખી દીધું
16, સપ્ટેમ્બર 2025 સુરત   |   2871   |  

એક અઠવાડિયા પહેલા કચરાના ઢગલામાંથી એક ધડ વગરનું માથું મળ્યું હતું

હત્યા પાછળનું કારણ અકબંધ

સુરતના લસકાણા વિસ્તારમાં થયેલી એક હચમચાવી નાખતી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યામાં મૃતકના જ મિત્રની સંડોવણી ખુલી છે. પોલીસે હત્યાના આરોપી મુન્ના બિહારીને ઝડપી પાડ્યો છે. લગભગ એક અઠવાડિયા પહેલા લસકાણાના વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક ધડ વગરનું માથું મળ્યું હતું, અને તેનાથી લગભગ 500 મીટર દૂર વાળીનાથ નગરમાં એક મકાનમાંથી ધડ મળી આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવી દીધો હતો.પોલીસ તપાસમાં મૃતકની ઓળખ બિહારના વતની દિનેશ મહંતો (ઉ.વ. 30) તરીકે થઈ હતી. દિનેશના ભાઈએ જણાવ્યું કે તે છેલ્લા ચાર મહિનાથી લસકાણામાં રહેતો હતો. પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ કરી, ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો. એક ફૂટેજમાં આરોપી મુન્ના બિહારી એક થેલીમાં મૃતકનું માથું લઈને રસ્તા પર ચાલીને જતો દેખાય છે. અન્ય એક ફૂટેજમાં હત્યાના દિવસે આરોપી અને મૃતક બંને સાથે ચાલીને જતા જોવા મળ્યા હતા.વધુ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક દિનેશ અને આરોપી મુન્નો બંને એક જ કારખાનામાં નોકરી કરતા હતા. હત્યાના લગભગ પંદર દિવસ પહેલા, મુન્નાએ પગારના 8 હજાર રૂપિયા લઈ નોકરી છોડી દીધી હતી અને તે જ દિવસે દિનેશ સાથે જોવા મળ્યો હતો. જે રૂમમાં હત્યા થઈ હતી તે રૂમ ભાડે આપવામાં આવી ન હતી, તેનો ઉપયોગ માત્ર હત્યા માટે જ કરવામાં આવ્યો હતો. પોલીસે રૂમમાંથી એક સળિયો પણ શોધી કાઢ્યો છે, જેનો ઉપયોગ દિનેશના માથા પર પ્રહાર કરવા અને બાદમાં તેનું માથું ધડથી અલગ કરવા માટે થયો હતો.પોલીસે મુન્ના બિહારીની સુરત જિલ્લાના GIDC વિસ્તારમાંથી ધરપકડ કરી છે. હાલ, લસકાણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી હત્યા પાછળનો ચોક્કસ ઈરાદો અને આટલી ક્રૂરતાપૂર્વક ડોકું કાપી નાખવા પાછળનું કારણ જાણી શકાય. આ કેસમાં CCTV ફૂટેજ મુખ્ય પુરાવા તરીકે કામ આવ્યા છે, જેના આધારે પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution