17, સપ્ટેમ્બર 2025
સુરત |
2178 |
એક જ કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર એક જ કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ વરસાદની સૌથી વધુ અસર સુરતની સિવિલ હોસ્પિટલ પર જોવા મળી છે, જે જાણે એક તળાવમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.સિવિલ હોસ્પિટલના મુખ્ય રસ્તાઓ અને કેમ્પસના આંતરિક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને ટ્રોમા સેન્ટર, પોસ્ટમોર્ટમ (પીએમ) રૂમ અને જૂની બિલ્ડિંગ પાસે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે, જેના કારણે દર્દીઓ, તેમના સંબંધીઓ અને ફરજ પરના તબીબોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ પાણી ભરાવાને કારણે હોસ્પિટલની અંદર અને બહાર અવરજવર અટકી પડી છે, જેના કારણે દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરમાં પડેલા આ ભારે વરસાદને કારણે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલો છે, પરંતુ સિવિલ હોસ્પિટલ જેવી અગત્યની સંસ્થામાં આ પ્રકારની સ્થિતિ સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે, પરંતુ ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદે સમગ્ર શહેરની પોલ ખોલી નાખી છે.