લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026 |
2079
મંગળવારે, તા.૨૮મી એપ્રિલે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાનાં અંતિમ તબક્કામાં મતગણનાની કામગીરી આટોપાઇ એ પછી રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા મતદાનનાં સત્તાવાર આંકડાનું એનાલીસીસ કરતા સુરતમાં મોટાપાયે ક્રોસ વોટિંગ જેને વહિવટી ભાષામાં અપૂર્ણ મતદાન થયું હોવાનું ઉજાગર થયું છે. સુરત મહાનગરપાલિકામાં એક વોર્ડમાં કુલ ૪ બેઠકોનું સ્ટ્રક્ચર છે એ હિસાબે દરેક મતદાર વધુમાં વધુ ચાર વોટ આપી શકે તેમ હતા. તા.૨૬મી એપ્રિલે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ અને મતદાનનાં આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે સુરત શહેરમાંથી કુલ ૧૪,૪૨,૦૬૨ મતદારોએ મતદાન કર્યું હોવાનું ચૂંટણી પંચનાં ચોપડે નોંધાયું હતું. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાન કરનારા મતદારોની સંખ્યા, પોસ્ટલ બેલેટથી મતદાન કરનારા મતદારોની સંખ્યાનો સરવાળો કરીને તેમાંથી નોટામાં નોંધાયેલા મતોની સંખ્યાની બાદબાકી કરવામાં આવે ત્યારે સુરતમાં ૧૪,૪૨,૦૬૨ મતદારોએ મતદાન કર્યું હોવાનો સત્તાવાર આંકડો જાહેર થયો છે.
આ ૧૪.૪૨ લાખ ઉપરાંત મતદારો ચાર મત લેખે ૫૭,૬૮,૨૪૮ મત આપી શકે તેમ હતાં પરંતુ, ગઇકાલે તા.૨૮મી એપ્રિલે સાંજે જ્યારે મતગણતરીની પ્રક્રિયાને પૂર્ણ જાહેર કરવામાં આવી ત્યારે સુરત મહાનગરાપાલિકાનાં ૩૦ વોર્ડ મળીને કુલ મતોની સંખ્યા ૪૯,૨૮,૩૨૨ હોવાનું જાહેર થયું હતું. આમ સુરતી મતદારોએ ૮,૩૯,૯૨૬ મતો ઓછા આપ્યા હોવાની વિગતો સપાટી પર આવતાં જ અનેક અધિકારીઓ અને મતગણતરીની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓનાં ભવાં ચઢી ગયાં હતાં કેમ કે મોટા પાયે ક્રોસ વોટિંગ થયું હોવાનું સૌથી પહેલા તેઓ પામી ગયા હતાં. આનો અર્થ એ થયો કે એટલાં મતદારોએ ક્યાં તો એક જ મત આપ્યો, ક્યાં તો બે મત આપ્યાં ક્યાં તો ત્રણ મત આપ્યા હતાં એટલે કે પેનલ તોડવાનો પ્રયાસ થયો હતો.
સુરત મહાનગરપાલિકામાં ૨૮ વોર્ડમાં બધી જ બેઠકો જીતી લાવેલા ભાજપનાં અનેક નેતાઓ એ વાતથી હેરાનીમાં મૂકાયા હતા કે તેમની અનેક વોર્ડની પેનલમાં જીતેલા ઉમેદવારોની જીતની ભીંતરમાં પણ મતોનું માર્જિન ૨૦૦-૫૦૦ નહીં પણ ૪-૫ હજારથી વધુ હતું. આવું ત્યારે જ સંભવી શકે જ્યારે મતદારોએ પોતાને મળેલા તમામ મતોનો ઉપયોગ ન કર્યો હોય અને સેંકડો મતદારોએ ક્યાં તો સિંગલ વોટીંગ, ક્યાં તો ડબલ વોટિંગ અગર તો ત્રણ મતો આપ્યા હોઇ શકે, જાણકારો ત્યાં સુધી કહે છે કે અનેક મતદારોએ બે અગર તો ત્રણ રાજકીય પક્ષોના જુદા જુદા ઉમેદવારોને પણ વોટ આપીને ક્રોસ વોટિંગ કર્યું હોઇ શકે. એ વાત તો ઇવીએમમાં અકળ બની ગઇ છે પરંતુ, એ વાત નક્કી છે કે ગઇ તા.૨૬મી એપ્રિલે મતદાન કરનારા ૧૪.૬૬ લાખ સુરતી મતદારોએ પોતાને મળેલા તમામ મતોની જગ્યાએ ૧૪.૫૬ ટકા મતો ઓછા આપ્યા છે એટલે કે ચાર મતનો અધિકાર હોવા છતાં ઓછા મત આપ્યાં છે.
જાણકારોનું કહેવું છે કે ટેકનિકલી ૧૪.૫૬% મતોનો ઘટાડો એ ક્રોસ વોટિંગ અથવા અધૂરા મતદાનની સંભાવના દર્શાવે છે. સભ્ય ભાષામાં કહેવું હોય તો સુરતી મતદારોએ અપૂર્ણ મતદાન કર્યું હોય તેવું કહેવાય. જાે આ મતો વિરોધ પક્ષનાં ફાળે ગયા હોય તો જ તેને ચોક્કસ ‘ક્રોસ વોટિંગ’ ગણી શકાય અન્યથા તેને ‘વોટ વેસ્ટેજ’ ગણવામાં આવે છે.