સુરત-

સુરત નવી સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગના મહિલા લેબ ટેક્નિશિયને બુધવારે બપોરે પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. સ્ટાફમાં કોઈની સાથે માથાકૂટ થયા બાદ તેમણે આપઘાત કરી લીધો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી વિભાગની લેબ ટેક્નિશિયને બુધવારે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લઈ મોત વ્હાલું કરી લીધું હતું. સ્ટાફ સાથે થયેલી માથાકૂટ બાદ તેણે અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જોકે સત્તાવાર રીતે મહિલા લેબ ટેક્નિશિયનની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. જોકે તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે પરંતુ તેમાં સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ મહેસાણાની વતની એવી 45 વર્ષીય રમીક્ષા નિતેશ પટેલ સુરતમાં સવિલ કેમ્પસના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતી હતી અને સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં લેબ ટેક્નિશિયન તરીકે નોકરી કરતી હતી. તેના પતિ હાર્ડવેરનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બુધવારે રમીક્ષાએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. તેણે એકાએક લીધેલા અંતિમ પગલાએ સુરત સિવિલ હોસ્પિટલમાં ખળભળાટ મચાવી દીધો છે. તેના અંતિમ પગલાએ વિવિધ ચર્ચાઓનો દૌર શરૂ કરી દીધો છે. સ્ટાફ સાથેની માથાકૂટને કારણે તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ હજુ સુધી પોલીસ તપાસમાં સત્તાવાર રીતે કોઈ કારણ સામે આવ્યું નથી. પોલીસ વિવિધ પાસાઓ ઉપર તપાસ કરી રહી છે.