સુરત-

ઑનલાઇન એજ્યુકેશનની બાબતે માતાએ મીઠો ઠપકો આપતા દીકરીને માતાની જ વાતનું એવું લાગી આવ્યું કે ગતરોજ આપઘાત કરી લીધો હતો. સુરતની આ કરૂણ ઘટનાના પગલે મૂળ મહેસાણાના પટેલ પરિવાર માથે વજ્રાઘાત પડ્યો છે. પરિવારે એકની એક લાડકવાયી ગુમાવતા આક્રંદ છવાઈ ગયો. મૃતક ખુશી પટેલ ધોરણ 10ની વિદ્યાર્થિની હતી અને તેણે આ પગલું ભરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મહેસાણાના વતની પ્રકાશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે ડીંડોલીના આલોક રેસિડન્સી વિસ્તારમાં રહે છે. ગઈકાલે તેમનો પરિવાર ધાબા પર પચંગ ચગાવી રહ્યો હતો ત્યારે અચાનક તેમની પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા પરિવારે ખુશીને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરી હતી પરંતુ તેનો પ્રાણ છુટી ગયો હતો.મૃતક દીકરીના પિતા ઝેરોક્ષના વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યારે માતા ગૃહિણી છે. બનાવની વિગતો મુજબ માતાએ દીકરીની હાજરીમાં શિક્ષિકાને ફોન કરીને તેણે હોમવર્ક ન કર્યુ હોવાનો ઠપકો આપ્યો હતો. જોકે, આ ઘટના બાદ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતી દીકરીને એટલું માઠું લાગી આવ્યું કે તેણે જિંદગી ટૂંકાવી લેવાનું પગલું ભરી દીધું.સમગ્ર પરિવારે કાલે જ્યારે ધાબા પર પતંગની મજા માણી રહ્યો હતો ત્યારે ખુશીએ ઝેરી દવા ગટગટાવી હતી. આમ પરિવારે પોતાની લાડકવાયી ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાને પગલે માતા શોકમાં ગરકાવ છે જ્યારે ડિંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.