વડોદરા, તા.૨૩

વડોદરા - સયાજી હોસ્પિટલના સૌથી ગંદા વોર્ડની સ્પર્ધામાં તાત્કાલિક વિભાગને પાછળ છોડીને સર્જિકલ વિભાગે બાજી મારી લીધી છે. સૌથી ગંદા વોર્ડ તરીકે સર્જિકલ વિભાગના વોર્ડ નંબર - ૩ અને વોર્ડ નંબર - ૪નો પ્રથમ નંબર આવ્યો છે. ૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ વોર્ડના સફાઈ કોન્ટ્રાક્ટરનું સમ્માન કરવામાં આવશે. ઉપરાંત, વોર્ડમાં સાફસફાઈ નહીં કરીને એને સૌથી ગંદો રાખવા બદલ સફાઈ કોન્ટ્રાક્ટરને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. આવુ અમે નથી કહેતા પણ વોર્ડમાં દિવસ-રાત ફરજ બજાવતા ડોક્ટરો ખુદ કહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ડોક્ટરોએ વોર્ડમાં ગંદકી રાખવા બદલ સફાઈ કોન્ટ્રાક્ટરને સમ્માનિત કરવાનો ર્નિણય લેવાયો છે. ૧ ડિસેમ્બરે વોર્ડમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અતિથિ વિશેષ તરીકે શહેરના શાસકો, હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ અને આર.એમ.ઓ ખાસ ઉપસ્થિત રહેશે. વોર્ડના ગંદકીથી ખદબદતા ખૂણામાં ભવ્ય સ્ટેજ બાંધવામાં આવશે અને ડાયસ ઉપર બેઠેલા તમામ મહાનુભાવોને ગંદકીનો સંપૂર્ણ અહેસાસ થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. ડાયસ પર બેઠેલા તમામ મહાનુભાવોનું કોન્ટ્રાક્ટના સફાઈ સેવકો દ્વારા સ્વાગત કરવામાં આવશે. અને ત્યારપછી એવોર્ડ સમારંભની શરૂઆત થશે. કાર્યક્રમનું સંચાલન કરવા માટે ગાંધીનગરના આરોગ્ય વિભાગના અધિકારીને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ હોસ્પિટલમાં અનહાઈજેનિક કન્ડિશનથી પેશન્ટોના આરોગ્યને થતા ફાયદા વિષે વિસ્તૃત માહિતી આપશે. અતિથિ વિશેષની સ્વાગત વિધી બાદ સયાજી હોસ્પિટલના સફાઈ કોન્ટ્રાક્ટરને કચરા ટોપલીની ભેંટ આપવામાં આવશે. ઉપરાંત, સર્જિકલ જેવા મહત્વના વિભાગમાં આટલી બધી ગંદકી રાખવા માટે એમને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. આ કાર્યક્રમની આખી વાત અમે કટાક્ષમાં લખી છે કારણ કે સીધુ લખેલુ વાંચવાની કે સમજવાની તંત્રની તૈયારી નથી.

ઐય્યર સાહેબની કેબિનમાં સાફસફાઈ થઈ ગઈ એટલે પૂરું!

કલ્પના કરો કે, સયાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐય્યરને મળવા માટે આરોગ્ય વિભાગની ટીમ આવી હોય અને એમની ઓફિસનો ખૂણો ગંદકીથી ખદબદતો હોય તો કેવુ લાગે ? કલ્પના કરો કે, આર.એમ.ઓની ખુરશીની બાજુમાં કોઈ કચરા ટોપલી ઉંધી વાળી દે તો એમને કેવુ લાગે ? સ્વાભાવિક છે એમને બિલકુલ ના ગમે. તેઓ તાત્કાલિક કોઈને બોલાવે અને તાબડતોબ સાફસફાઈ કરાવે. હવે, જવાબ આપો કે, હોસ્પિટલના કોઈ વોર્ડમાં આવી ગંદકી હોય તો એમણે શું કરવુ જાેઈએ ? આ સવાલનો જવાબ પણ એવો જ હોય કે, એમણે વોર્ડમાં તાત્કાલિક સાફસફાઈ કરાવવી જાેઈએ. પણ અફસોસ આવુ ક્યારેય બનતુ નથી. પોતાની કેબિન સ્વચ્છ થઈ જાય અને અંદર રૂમ ફ્રેશનર છંટાઈ જાય એટલે આખુંય હોસ્પિટલ ચોખ્ખુચણાક થઈ ગયુ હોય એવુ માની લેવામાં આવે છે. અને કદાચ એને લીધે જ સયાજી હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય છે. અહીં સફાઈ કોન્ટ્રાક્ટર કામ કરે છે કે નહીં એની કોઈને દરકાર નથી. અહીં સાફસફાઈ થાય છે કે, નહીં એની કોઈને પરવા નથી. અહીં સફાઈ સેવકો કામ કરે છે કે નહીં એની કોઈને પડેલી નથી. અહીં સાહેબની કેબિનમાં સાફસફાઈ થઈ ગઈ એટલે આખુંય હોસ્પિટલ સ્વચ્છ થઈ ગયું એવુ માની લેવામાં આવે છે.

હું ડોક્ટર છું મારે આટલી ગંદકીમાં કામ કરવું પડે છે!!

સયાજી હોસ્પિટલના સર્જિકલ વિભાગની આ તસવીર છે. જ્યાં પેશન્ટોના ઓપરેશનો થતા હોય, એટલિસ્ટ ત્યાં તો સ્વચ્છતા જાળવવી જ જાેઈએ. પણ અફસોસ એવુ થતું નથી. આખીય સયાજી હોસ્પિટલનો સૌથી ગંદો વોર્ડ કદાચ આ જ હશે.

અહીં એટલી ગંદકી છે કે, ત્યાં થોડી વાર ઉભા રહીએ પણ બિમાર પડી જવાય. વિચારો કે, અહીં કામ કરતા ડોક્ટરોની શું સ્થિતિ હશે ? કલ્પના કરો કે, અહીં કામ કરતા મેડિકલ સ્ટાફનું શું થતુ હશે ? ઈનફેક્ટ અહીં દાખલ થતા પેશન્ટોનું શું

થતુ હશે ? ખેર, ઉપરોક્ત તસવીર એક ડોક્ટરે અમને મોકલી છે. કદાચ અમને એકલાને જ નહીં પણ બીજા ઘણા સમાચાર માધ્યમોને મોકલી છે. અમે થોડા વધારે સંવેદનશીલ છીએ એટલે ડોક્ટરોની વ્યથાને વાચા આપી રહ્યા છીએ.

હોસ્પિટલની અનહાઈજેનિક કન્ડિશનથી બધા જ ડોક્ટરો ખફા છે. પણ કોઈ ખુલીને બોલવા તૈયાર નથી. જાે, હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સમયસર પગલા નહીં લે તો ડોક્ટરો સફાઈ કોન્ટ્રાક્ટરનું સમ્માન કરશે એ નક્કી જ છે.