વડોદરા : શહેર નજીક આવેલ ખાનપુર ગામમાં પટેલ ફળિયામાં ૩૫ સહિત સમગ્ર ગામમાં પખવાડિયામાં ૪૭ જેટલા પોઝિટિવ કેસ સાથે કોરોનાનો રાફડો ફાટી નીકળતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. જાે કે, ગ્રામ પંચાયતે સ્વયંભૂ રીતે ગામની તમામ દુકાનો તા.૩૧મી માર્ચ સુધી બંધ કરીને લૉકડાઉન જાહેર કર્યું હતું. એક સાથે ૪૭ કેસો નોંધાતાં જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આજે ગામમાં મુખ્ય પ્રવેશદ્વારને બેરિકેટ લગાડી ગામમાં તમામ અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તો બીજી તરફ કોયલી પીએચસી સેન્ટર ખાતેથી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તેમજ ધન્વંતરિ રથ દ્વારા ઘેર-ઘેર ફરીને સર્વેની સાથે સેમ્પલિંગ તેમજ જરૂર જણાય તેમને સ્થળ પર જ દવા આપવાની કામગીરી હાથ ધરી છે. ગામના સરપંચના જણાવ્યા મુજબ ગામમાં છેલ્લા ૧૫ દિવસમાં ૪૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં આજે ત્રણ જણાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.