વડોદરા, તા.૨૯

ઈલેક્ટ્રિક વાયરના ક્ષેત્રમાં દેશની અગ્રગણ્ય કંપની આર આર કાબેલની વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે આવેલી ઓફિસે તથા વાઘોડિયામાં આવેલી ઓફિસે આજે વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગે સર્વે હાથ ધર્યો હતો. ઇન્કમટેક્સ અધિકારીઓએ જ્યારે સર્વે માટે આર આર કેબલની ઓફિસમાં પહોંચ્યા ત્યારે કેટલાક કર્મચારીઓ અંદર મૌજુદ હતા. જેમના મોબાઈલો જપ્ત કરીને એમને વચ્ચેના એક ઓડિટોરિયમમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આર આર કેબલ ઉપર ઇન્કમટેક્સનો આ સર્વે માત્ર વડોદરામાં જ નહીં પણ અમદાવાદ, સુરત, સેલવાસ સહિત દેશના જુદાજુદા રાજ્યોમાં આવેલી કંપનીની ૪૦ ઓફિસોમાં એકસાથે કરવામાં આવ્યો હતો.

ઇન્કમટેક્સના સામૂહિક સર્વેની અસર કંપનીના શેરની કિંમતો પર પણ પડી હતી. આજે દિવસ દરમિયાન આર આર કેબલના શેરની કિંમતમાં ઘટાડો જાેવા મળ્યો હતો. કંપનીએ બે મહિના પહેલા એટલે કે, સપ્ટેમ્બર મહિનામાં જ આઈપીઓ બહાર પાડ્યો હતો. આજે કંપનીની દેશભરની ઓફિસોમાં ઇન્કમટેક્સના સર્વેના સમાચારો વહેતા થવાની સાથે જ શેરબજારમાં કંપનીના શેરોના ભાવમાં કડાકો બોલાયો હતો. કહેવાય છે કે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આર આર કેબલના વાર્ષિક ટર્નઓવર તથા સીએસઆર ફંડને લગતા હિસાબો ચકાસવામાં આવી રહ્યા છે. દિવાળી પછી ઇન્કમટેક્સ વિભાગે ઔધોગિક જગતમાં કરેલો આ સૌથી મોટો સર્વે છે.

દેશભરમાં સામૂહિક રીતે ઇન્કમટેક્સના અધિકારીઓની કાર્યવાહી કોઈ મોટી ગરબડ તરફ ઈશારો કરી રહી છે. જાેકે, હજી સુધી ઇન્કમટેક્સ વિભાગે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી. આર આર કેબલ કંપનીના ફાઉન્ડર રામેશ્વરલાલ કાબરા છે. જેમણે જીવનમાં ઘણા સંઘર્ષો કરીને આર આર કાબેલ જેવી વિશાળ ઈન્ડસ્ટ્રીની સ્થાપના કરી હતી. કહેવાય છે કે, એક જમાનામાં તેઓ ઈલેક્ટ્રિક વાયરોનું ટ્રેડિંગ કરતા હતા. આર આર કેબલ કંપની ઈલેક્ટ્રિક વાયરોની સાથેસાથે એની સીએસઆર એક્ટિવિટી માટે પણ જાણીતી છે.

ગામડા અને આદિવાસી વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ બદલ રામેશ્વરલાલ કાબરાને વર્ષ ૨૦૧૮માં દેશના સર્વોચ્ચ સમ્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આજે આર આર કેબલની વાઘોડિયા અને રેસકોર્સની ઓફિસો પર ઇન્કમટેક્સના સર્વેની અસર એમના ડિસ્ટ્રિબ્યુટર્સ નેટવર્ક પર પણ જાેવા મળી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, આર આર કેબલની મની લોન્ડરિંગમાં સંડોવણીની આશંકાને પગલે ઇન્કમટેક્સ વિભાગે સામૂહિક સર્વે કર્યો હોવાનું કહેવાય છે. જાેકે, આ મામલે ઇન્કમટેક્સ વિભાગમાંથી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આજે શેરબજારમાં આર આર કેબલના શેરોમાં વેચવાલી જાેવા મળી હતી. સવારે કંપનીનો શેર ૧૬૬૬.૬૦ રૂપિયે ખુલ્યો હતો. જે ગગડીને ૧૬૧૯.૨૦ રૂપિયા થયો હતો. અને પાછળથી સુધારા સાથે ૧૬૪૪.૯૫ રૂપિયે બંધ રહ્યો હતો.