સૂર્યદેવના પ્રકોપથી શહેરીજનો ત્રાહિત મહત્તમ તાપમાનમાં એક ડીગ્રીનો વધારો 
15, એપ્રીલ 2023

વડોદરા, તા. ૧૪

છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનાં પારામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગત રાત્રી દરમ્યાન વાદળછાયા વાતાવરણને કારણે શહેરમાં ઠંડકનો માહોલ જાેવા મળ્યો હતો. પરતું આજે સવારથી સૂર્યદેવે તેમનું ઉગ્ર રુપ ધારણ કર્યુ હોવાથી બપોર દરમ્યાન અસહ્ય તાપથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે પણ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો નોંધાવાની સાથે પારો ૩૯.૪ ડીગ્રી નોંધાતા શહેરીજનો વ્યાકુળ બન્યા હતા. અસહ્ય ગરમીને પગલે મોટાભાગના રોડ રસ્તા બપોર દરમ્યાન સુમસામ નઝરે પડયા હતા. ઠેકઠેકાણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લૂ થી બચવા માટેના પ્રયાસો અને લૂ લાગે ત્યારે કેવા પ્રકારના ઉપચાર કરવા તે માટેની ગાઈડલાઈન પણ બહાર પાડી દેવામાં આવી છે. તે સિવાય અન્ય વાયરલ બિમારીઓ જેમકે તાવ , શરદી , ખાંસી અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા શહેરના વિવધ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી હતી. છાસ , ઠંડા પીણા , આઈસક્રીમ તેમજ બરફ ખાવા માટે લોકોની ઠેકઠેકાણે ભીડ જાેવા મળી હતી. આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૯.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૪૭ ટકાની સાથે સાંજે ૨૩ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૭.૪ મીલીબાર્સની સાથે પશ્ચિમ દિશા તરફથી દસ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution