સસ્પેન્ડેડ અલ્પેશ લિંબાચિયાની ભાજપમાં ઘરવાપસી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026  |   વડોદરા   |   1782

“જેટલો પહેલા હતો એટલો હરખ રહ્યો નથી...હું હોઉં કે ના હોઉં એટલો ફર્ક રહ્યો નથી..!! “ રાજકારણમાં સંબંધના સમીકરણ ક્યારે બદલાય તેનું ઠેકાણું હોતુ નથી. એક જમાનાના દુશ્મન ક્યારે દોસ્ત બની જાય તેનું પણ ઠેકાણું હોતુ નથી..!! આજે ભાજપમાં અલ્પેશ લીંબાચીયાની ઘરવાપસી પછી એવું ચોક્કસ કહી શકાય કે, વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પહેલા શહેર ભાજપમાં સંબંધોના સમીકરણમાં ખુબ જ ઝડપથી ફેરફાર આવી રહ્યા છે. એક જમાનો હતો જ્યારે ભાજપના જ કેટલાક નેતાઓની ભરપુર ભલામણથી તત્કાલિન કાઉન્સિલર અલ્પેશ લીંબાચીયાની પક્ષમાંથી ધરાર હકાલપટ્ટી કરવામાં આવી હતી. અને આજે એવો દિવસ આવ્યો છે

જ્યારે એમને ભગવો ખેસ પહેરાવીને સન્માનપૂર્વક ભાજપમાં પાછા ભેળવવામાં આવ્યા છે. લીંબચીયાને ભાજપમાં ભેળવીને પક્ષે નીલેશ રાઠોડને ભેરવવાનો તખ્તો ઘડી કાઢ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. વાસ્તવમાં અલ્પેશ અને નીલેશની ભૂતકાળની દોસ્તી અને પછીની દુશ્મની બધાએ જાેઈ પણ છે અને માણી પણ છે. ખેર, હવે પાછો સમય બદલાયો છે. પત્રીકાકાંડ પછી કોરાણે મૂકાયેલા અલ્પેશ લીંબાચીયાને ભાજપ પાછા મેદાને લાવ્યો છે. કહેવાય છે કે, સંગઠને આવું પગલુ લેતા પહેલા ચૂંટાયેલી પાંખનો ભરોસો જીત્યો નથી. જાેકે, સંગઠનના આ પગલાથી કોર્પોરેશનની ચૂંટણીમાં ઉત્તેજના ચોક્કસ ઉમેરાઈ છે.

વડોદરા, તા. ૩

વડોદરાના તત્કાલિન મેયર નિલેશ રાઠોડની સામે ભ્રષ્ટ્રાચારના ગંભીર આક્ષેપો સાથેની પત્રિકા પ્રસીદ્ધ કરા બદ્દલ ભાજપામાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા અલ્પેશ લીંબાચીયાની ચૂંટણી ટાંણે ધરવાપસીથી ભાજપામાં ભડકો થયો છે. ચૂંટાયેલી પાંખને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કરાયો હોવાની તેમજ ભાજપાનાજ નેતાઓના વિરોધ વચ્ચે પ્રવેશ અપાતા હોબાળો મચ્યો હોવાનું જાણવા મળે છે.અલ્પેશ લીંબાચીયા આજે શહેર ભાજપા કાર્યાલય ખાતે શહેર ભાજપા પ્રમુખની ઉપસ્થિતીમાં ખેંસ ધારણ કરીને ફરી ભાજપામાં જાેડાયા હતા.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ગત બોર્ડમાં મેયર નિલેશ રાઠોડની સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકાકાંડને લઈ ભાજપામાંજ આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. મેયર સામે આક્ષેપો સાથેની પત્રિકા અનેક કાઉન્સિલરો સહિતને પોસ્ટ દ્વારા મોકલવામાં આવી હતી. પત્રિકાકાંડને લઈ વિવાદ સર્જાયો હતો.

આ મામલે તત્કાલિન મેયર નિલેશ રાઠોડે પોલીસને આ પાછળ જે કોઈ હોય તેની તપાસ કરવાની માંગણી કરી હતી.જાેકે, પત્રિકાકાંડમાં પ્રથમ વોર્ડ-૧૯ના કાઉન્સિલર અને તે સમયે પાલિકામાં ભાજપા પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાના સબંધીઓનું નામ પ્રકાશમાં આવતા પોલીસે તેમની ધરપકડ કરી હતી.

જાેકે, તપાસમાં અલ્પેશ લિંબાચીયાનું નામ પણ પ્રકાશમાં આવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી. જ્યારે બીજી તરફ અલ્પેશ લિંબાચીયાને ભાજપા દ્વારા પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો.

સસ્પેન્ડ કરાયા બાદ બોર્ડ પુરૂ થતા સુધી તેઓ અપક્ષ કાઉન્સિલર તરીકે રહ્યા હતા. જાેકે, છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ લિંબાચીયાના ધરવાપસીની ચાલતી ચર્ચા વચ્ચે પાલિકાની ચૂંટણી ટાંણે આજે શહેર ભાજપા કાર્યાલય ખાતે પ્રમુખના હસ્તે ખેસ ધારણ કરીને ફરી ભાજપામાં જાેડાયા હતા.જાેકે, ચૂંટાયેલી પાંખને વિશ્વાસમાં લીઘા વગર અને ભાજપાનાજ નેતાઓના વિરોધ વચ્ચે અલ્પેશ લિંબાચીયાને પક્ષમાં ફરી પ્રવેશ અપાતા ભડકો થયો હોવાનું જાણવા મળે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution