વડોદરા, તા.૨૪

વડોદશા શહેરમાં બેખોફ બનેલા માથાભારે તત્ત્વોના કારણે શહેરમાં ક્રાઈમરેટનો રેશિયો રોજબરોજ વધી રહ્યો છે. બે દિવસ અગાઉ જ મુસ્લિમ પરિણીતાની હત્યાનો બનાવ બન્યા બાદ આજે વધુ એક ધોળાદહાડે સલૂનની દુકાનમાં માથાભારે શખ્સો ખૂલ્લી તલવાર સાથે ઘૂસી દુકાનમાં હાજર ર૦ વર્ષીય યુવાન પર અગાઉના પ્રેમપ્રકરણ મામલે ઘાતકી હુમલો કરતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. તલવારના ઝનૂનપૂર્વક મારેલા ઘાથી લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડેલા યુવાનને બેભાન હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. જાે કે, આ બનાવને પગલે પાણીગેટ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવ્યા હતા અને બનાવની વિગતો મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આ બનાવની મળતી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને હાલ અકોટા અરમાન કોમ્પલેક્સમાં રહેતો જીશાંત સાહીદીભાઈ સલમાણી (ઉં.વ.ર૦) રોજીરોટી માટે ત્રણ વર્ષથી આવ્યો હતો અને તે વાડી સ્વામીનારાયણ મંદિર સામે આવેલ એ-વન સલૂનની દુકાનમાં હેર કટિંગ તરીકે નોકરી કરતો હતો, એ દરમિયાન તેને તેની જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ થયો હતો. પરંતુ જીશાંતના પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. જે તે સમયે દુકાનના માલિકે પ્રેમપ્રકરણના ઝઘડાનું સમાધાન બે વર્ષ પહેલાં કરાવ્યું હતું. પ્રેમપ્રકરણના મામલે હાથીખાનામાં રહેતા આરીફ શેખ, મોહસીન શેખ, જાકીર શેખ, સમીર શેખ નામના કહેવાતા માથાભારે શખ્સો તલવાર અને ચાૂક સાથે બપોરના સમયે સલૂનની દુકાન ખાતે ધસી ગયા હતા અને દુકાનમાં હાજર ર૦ વર્ષીય જીશાંત સલમાની ઉપર તૂટી પડયા હતા અને તલવાર અને ચાકૂના ઝનૂનપૂર્વક ઘા માર્યા હતા. જેમાં જીશાંતનો કાન કપાઈ ગયો હતો તેમજ માથાના ભાગે, હાથના ભાગે ઘા વાગતાં તે દુકાનમાં જ લોહીલુહાણ સાથે ફસડાઈ પડયો હતો. આ ઘાતકી હુમલાને પગલે વિસ્તારમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી અને લોકોનાં ટોળાં ઉમટી પડયાં હતાં. જાે કે, હુમલાખોરો હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે દોડી આવેલા સલૂનની શોપના માલિક ઈજાગ્રસ્ત જીશાંતને લઈને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવની જાણ પાણીગેટ પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ ઈન્સ્પેકટર સહિતનો કાફલો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી બનાવસ્થળના સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હતી અને હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું પોલીસસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.