11, મે 2021
297 |
ગાંધીનગર-
ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે.
આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે.
હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.