અત્યારે ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ ગરમી અને બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીને કારણે ઘણાં લોકોને મોમાં ચાંદા થવાની સમસ્યા થવા લાગે છે અને પેટની ગરમી પણ વધી જાય છે. આવા સમયે કેટલાક ઘરેલૂ ઉપચાર કરીને પેટમાં ઠંડક કરી શકાય છે. જેથી આજે અમે તમને એવા ખાસ ઘરેલૂ ઉપચાર જણાવીશું, જેને કરી લેવાથી તમારા પેટમાં ઠંડક પણ થશે અને મોમાં ચાંદા થવાની સમસ્યા પણ દૂર થશે.

પેટની ગરમીને શાંત કરવા માટે ખાન પાન પર ધ્યાન આપવું જરૂરી છે. ઓછાં મરચાં-મસાલાવાળા ખોરાક ખાવાથી પેટને આરામ મળે છે. જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ હોય છે, તેમણે ખાસ ધ્યાન રાખવું. બાળકો અને વૃદ્ધોને પણ ઓછાં તેલ મસાલાવાળા ખોરાક આપવા. સાથે જ ગરમીમાં પેટમાં ઠંડક કરવા ઠંડી તાસીરવાળી વસ્તુઓનું સેવન કરો. જેમ કે પેટની ગરમી શાત કરવા તમે દૂધ, દહીં કે લસ્સીનું સેવન કરી શકો છો. સાથે જ પાચન સારું રહે તેનું ધ્યાન રાખો. તેના માટે રોજ રાતે સૂતી વખતે 1 ચમચી ત્રિફલા ચૂર્ણ ખાઈ શકો છો અને સવારે ઉઠીને નવશેકું પાણી પીવું. રાતે મોડાં ખાવાની આદત છોડી દેવી.