વડગામ : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા અને પાલનપુર તાલુકાના સલેમપુરા તથા કુંભાસણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિ આચનાર વ્યક્તિઓ, કર્મચારીઓ અને સરપંચ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે તેમ જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ મિડીયાને મુલાકાત આપતાં જણાવ્યું હતું કે બાલુન્દ્રા ગામમાં મનરેગા ગેરરીતિ અંગેના સમાચાર મળતાં તા.૩ ઓગસ્ટના રોજ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી. એની તપાસ ચાલી રહી હતી. જેમાં તપાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યું છે કે બે મૃતક વ્યક્તિઓના નામે તેમના ખાતામાં નાણાં ચુકવાયા છે. આ કિસ્સામાં જવાબદાર તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જ્યારે સરપંચને પંચાયત અધિનિયમના સેક્શન- ૫૭ હેઠળ હોદ્દા પરથી દૂર કરવાની નોટીસ આપવામાં આવી છે.ગ્રામ રોજગાર સેવક અને મેટની કામગીરી કરતાં બે કર્મીઓને છુટા કરી તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂર દર્શાવી તેમના ખાતામાં નાણાં ચુકવાયા છે તેવી બાબત પણ ધ્યાનમાં આવી છે તેની પણ તપાસ કરી કાર્યવાહી કરાશે. ડીડીઓએ જણાવ્યું કે, પાલનપુર તાલુકાના સલેમપુરા અને કુંભાસણ ગામમાં મનરેગા યોજનામાં કોભાંડ અંગે તપાસ કરવામાં કરવામાં આવી રહી છે. સલેમપુરા ગામના ડાભી મહેશભાઇ ચેલાભાઇ જે ૨૦૧૨-૧૩માં આરોપી તરીકે જેલમાં હતાં. તે દરમ્યાન તેમને મજૂર દર્શાવી તેમના નામે ચુકવણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બોડાણા તેજમલજી ચેલાજીના મરણ પછી પણ તેમને મજૂર દર્શાવી તેમના નામે નાણાં ચુકવાયા છે. જેનું રેકર્ડ કબજે લીધું છે.સલેમપુરા ગામની તપાસ પૂર્ણ થઇ ગઇ છે. ગેરરીતિ આચરનારાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. મજૂર કામ માટેની પ્રાથમિક જવાબદારી ગ્રામ પંચાયતની જ બને છે. એમાં તાલુકા કે જિલ્લા કક્ષાના કોઇ અધિકારી કે કર્મચારી સામેલ હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ મિડીયાને જણાવ્યું હતું. 

બાલુન્દ્રા ના સરપંચ અને ગ્રામ રોજગાર સેવકની ધરપકડ કરતી પોલીસ

વડગામ ઃ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિ આચનાર બે વ્યક્તિઓની અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેમ બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલે મિડીયાને મુલાકાત આપતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિ અંગે તા.૩ ઓગસ્ટના રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદના આધારે ડી.વાય.એસ.પી. ડીસા દ્વારા તપાસ કરાઇ રહી છે. જેમાં મનેરગા યોજનાના જોબકાર્ડ, બેન્ક એકાઉન્ટ દસ્તાવેજો કબજે લઇ ગેરરીતિ આચરનારા બાલુન્દ્રા ગામના સરપંચ અને ગ્રામ રોજગાર સેવક બે વ્યક્તિઓની અમીરગઢ પોલીસ સ્ટેશન ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે ૨૬૭ એન્ટ્રીઓ ગ્રામ રોજગાર સેવક દ્વારા ડીલીટ કરવામાં આવી છે. કિરણભાઇ પરમારનું ફેક જોબકાર્ડ બનાવી તેમના ખાતામાં પણ નાણાં જમા કરાવાયા છે. તેમણે કહ્યું કે જોબકાર્ડમાં દર્શાવેલા ૧૬ નામો સામે ફોટા અલગ છે .૧૧ વર્ષના બાળક રમાભાઇ જગાભાઇ રબારીની ખોટી ઉંમર દર્શાવી તેને મજૂર તરીકે દર્શવાયો છે તેવી ઘણી બાબતો પોલીસ તપાસમાં સામે આવી છે.